પારડીના દમણીઝાંપા સ્થિત પટેલ સ્ટ્રીટ વિસ્તારમાં આવેલા પ્રાચીન તુલસી ક્યારા ખાતે પવિત્ર દેવઊઠી અગિયારસના અવસરે ભગવાન શ્રીકૃષ્ણ અને માતા વૃંદા તુલસીના વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે પારડીના લોકપ્રિય ધારાસભ્ય કનુ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે પારડીના રહેવાસી પ્રિતેશભાઇ રાણાએ વરપક્ષે વરની ભૂમિકા ભજવી હતી, જ્યારે ચેતનભાઈ ભંડારીએ કન્યાપક્ષે માતા વૃંદા તુલસીની ભૂમિકા નિભાવી હતી. સૌપ્રથમ પ્રિતેશભાઈ રાણા સહિત મોટી સંખ્યામાં ભક્તો, ભાઈઓ અને બહેનોએ ભગવાન શ્રીકૃષ્ણને સુંદર રીતે શણગારેલા રથમાં બિરાજમાન કરી ભવ્ય વરઘોડો કાઢયો હતો. ત્યારબાદ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પરંપરાગત હિન્દુ રીતરિવાજ મુજબ ભગવાન શ્રીકૃષ્ણ અને માતા વૃંદા તુલસીના પવિત્ર લગ્ન સંપન્ન કરાવવામાં આવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો