20

વલસાડ જિલ્લામાં ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે 'પીએમ સેતુ' યોજના અમલીકરણ માટેની મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આ યોજના હેઠળ આગામી પાંચ વર્ષ દરમિયાન ઉદ્યોગોની ભાગીદારી સાથે જિલ્લામાં આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને આધુનિક બનાવવાનું આયોજન છે. જે અંગેની માહિતી વી આઈ એ ખાતે આયોજિત નાણાંપ્રધાન કનુભાઈ દેસાઇ અને જિલ્લા કલેકટર નીતિન સાંગવાનની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે વલસાડ જિલ્લામાં પીએમ સેતુ યોજના અંતર્ગત અંદાજે રૂ. 240 કરોડનું રોકાણ કરવાનું આયોજન છે. તેમાં ભારત સરકાર તરફ્થી રૂ. 120 કરોડ, ગુજરાત સરકાર તરફ્થી અંદાજે રૂ. 80 કરોડ અને બાકીના રૂ. 40 કરોડ ઉદ્યોગો દ્વારા ફાળવવામાં આવનાર હોવાનું જણાવાયું છે. પીએમ સેતુ યોજનાનો મુખ્ય ઉદ્દેશ આઇટીઆઇને ઉદ્યોગની જરૂરિયાત સાથે જોડીને આધુનિક તાલીમ અને રોજગારલક્ષી કૌશલ્ય વિકસાવવાનો છે. આ યોજના હેઠળ આઇટીઆઇમાં આધુનિક સાધનો, લેબોરેટરી, સ્માર્ટ ક્લાસરૂમ અને ઉદ્યોગલક્ષી અભ્યાસક્રમો વિકસાવવાનો ઉદ્દેશ છે. આ યોજનાના સફ્ળ અમલીકરણ માટે ઉદ્યોગો અને જાણીતી સંસ્થાઓની ભાગીદારી મેળવવામાં આવી રહી હોવાનું જણાવાયું હતું. મેરિલ લાઇફ્ સાયન્સ દ્વારા દર વર્ષે રૂ. 2 કરોડ, એટલે કે પાંચ વર્ષમાં કુલ રૂ. 10 કરોડ, જ્યારે શ્રીમદ્ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ તથા હુબર ગ્રુપ દ્વારા દર વર્ષે રૂ. 1 કરોડ પ્રમાણે પાંચ વર્ષમાં રૂ. 5-5 કરોડની ભાગીદારીની વાત કરવામાં આવી છે. ઉદ્યોગોની સીધી ભાગીદારીથી આઇટીઆઇના અભ્યાસક્રમો અને તાલીમને સ્થાનિક ઔદ્યોગિક જરૂરિયાતો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.

વધુમાં નાણાંમંત્રીએ ઉમેર્યું હતું કે, યોજના અંતર્ગત પારડી આઇટીઆઇને મુખ્ય હબ આઇટીઆઇ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય આઇટીઆઇને સ્પોક તરીકે વિકસાવવામાં આવશે. આ માટે તૈયાર કરવામાં આવેલો પ્લાન ગુજરાતના મુખ્ય સચિવને સુપરત કરવામાં આવશે અને ત્યારબાદ કેન્દ્ર સરકારની મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાશે. સ્થાનિક ગામડાં અને આસપાસના વિસ્તારોમાં રહેતા યુવાનોને પોતાના વિસ્તારની નજીક જ કૌશલ્ય તાલીમ અને રોજગારની તકો મળી શકે તેવી અપેક્ષા છે. વલસાડ જિલ્લા કલેકટર નીતિન સાંગવાને જણાવ્યું કે પીએમ સેતુ યોજના હેઠળ હબ-એન્ડ-સ્પોક મોડલ મુજબ એક મુખ્ય આઇટીઆઇને 'હબ' અને અન્ય આઇટીઆઇને 'સ્પોક' તરીકે વિકસાવવામાં આવશે. હબ સંસ્થામાં આધુનિક સુવિધાઓ, સાધનો અને તાલીમની વ્યવસ્થા ઊભી કરી તેનો લાભ અન્ય સંસ્થાઓ સુધી પહોંચાડવાનો અભિગમ છે. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વતી સતીશભાઈ પટેલે નાણાં પ્રધાન કનુભાઈનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, તેમની દીર્ઘદ્રષ્ટિને કારણે એક સાથે ત્રણ મહત્વના કાર્યો થવા જઈ રહ્યા છે. એક તો આઈટીઆઈનું અપગ્રેડેશન થશે, સ્થાનિક યુવકોને રોજગારીની વિપુલ તકો મળશે અને ઇન્ડસ્ટ્રીઝને સ્કિલ બેઝ કર્મચારીઓ તેમની જરૂર મુજબનો લાભ મળી રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો