વાપી : વાપી ચણોદ કોલોની સ્થિત કેબીએસ અને નટરાજ કોલેજના એફ.વાય.બી. કોમ.ના વિદ્યાર્થી ક્રિશ ઠાકુરે વડોદરા ખાતે યોજાયેલી પ્રથમ જ્યોતિ સીએનસી ઇન્ટરનેશનલ ક્લાસિકલ ચેસ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી 'બેસ્ટ અનરેટેડ' કેટેગરીમાં ત્રીજો પુરસ્કાર મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું છે. આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારત તેમજ વિદેશના 500થી વધુ પ્રતિભાશાળી ચેસ ખેલાડીઓએ ભાગ લીધો હતો. કડક સ્પર્ધા વચ્ચે ક્રિશ ઠાકુરે પોતાની વ્યૂહાત્મક રમત અને ઉત્કૃષ્ટ દેખાવના આધારે આ સિદ્ધિ હાંસલ કરી હતી. ક્રિશને રમતગમત ક્ષેત્રે સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન કોલેજના શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. મયૂર પટેલ તેમજ રમતગમત વિભાગના મદદનીશ રોહિતસિંહ દ્વારા આપવામાં આવ્યું હતું. આ સિદ્ધિ બદલ કોલેજના મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ ડૉ. પૂનમ બી. ચૌહાણ, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓએ ક્રિશ ઠાકુરને અભિનંદન પાઠવી તેમના સમર્પણ, શિસ્ત અને રમતગમત પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી હતી.
