રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (નવી દિલ્હી) અને રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ (દાદરા અને નગર હવેલી)ના નિર્દેશાનુસાર, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, દાદરા અને નગર હવેલી દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર, 2026, શનિવારના રોજ સવારે સેલવાસ જિલ્લા અદાલત પરિસરમાં 'રાષ્ટ્રીય લોક અદાલત'નું આયોજન કરવામાં આવ્યું હતું. લોકઅદાલતમાં પક્ષકારો વચ્ચેના વિવિધ વિવાદોને ઉકેલવાનો સાર્થક પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ તકે, ચેક બાઉન્સ, કામદાર વિભાગના પ્રશ્નો, મોટર વાહન અકસ્માત ક્લેઇમ, જમીન સંપાદન, મહેસૂલી (રેવન્યુ) કેસ, વૈવાહિક/કૌટુંબિક તકરાર, સમાધાનપાત્ર ફોજદારી બાબતો, બેંક વસૂલાત, ગ્રાહક સુરક્ષા, ગ્રામ પંચાયત, નગરપાલિકા તેમજ પ્રિ-લિટિગેશન (Pre-litigation) રિકવરીને લગતા કેસ અંગે ચર્ચા કરી નિર્ણય કરાયા હતા. કુલ રજૂ થયેલા2,296 કેસમાંથી 395નો નિકાલ થયો હતો. આ સાથે જ રૂ. 2,31,19,281 રકમનું સમાધાન થયું હતું. બંને પક્ષકારોની પરસ્પર સમજાવટથી થયેલા આ સમાધાનોના પરિણામે પક્ષકારોના સમય અને નાણાંની બચત થવાની સાથે કાનૂની વિવાદોનો કાયમી ધોરણે અંત આવ્યો હતો.
