દમણમાં ચોમાસામાં દરિયો અત્યંત તોફાની અને જોખમી બન્યો છે. પ્રશાસન દ્વારા દરિયાકિનારે જવા પર પ્રતિબંધ લગાવીને માત્ર દોરડા બાંધવામાં આવ્યા છે, પરંતુ સહેલાણીઓની લાપરવાહી અને સઘન સુરક્ષા વ્યવસ્થાનો અભાવ વર્તાઈ રહ્યો છે. કિનારે માત્ર એક મહિલા કોન્સ્ટેબલ અને એક ગાર્ડ હોવાને કારણે ભીડને કાબૂમાં લેવી મુશ્કેલ બની રહી છે.
શનિવારના રોજ દમણના દરિયાકિનારે કેટલાક સહેલાણીઓ દારૂના નશામાં ધૂત થઈને આવી પહોંચ્યા હતા. જે બાદ તેઓ સેલ્ફી લેવા માંડયા હતા. એટલું જ નહીં કેટલાક તો જીવના જોખમે નાહવા માટે દરિયામાં ઉતરી ગયા હતા. ડયુટી પર હાજર પોલીસકર્મીઓએ તેમને બહાર ખદેડવાનો પ્રયાસ કર્યો, ત્યારે આ સહેલાણીઓએ પોલીસની સૂચનાને સદંતર નજરઅંદાજ કરી અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું.
નશામાં ચૂર લોકોએ પોલીસને વાહિયાત સવાલો કર્યા હતા કે, તમે અમને અંદર જ કેમ જવા દીધા, પહેલા જ રોકવા જોઈએ! વધુમાં દરિયાની અંદર પીધેલી હાલતમાં ગયા કેટલાકે બહાર આવવાનું નામ ન લેતા સ્થિતિ વધુ વણસી હતી. કિનારે હાજર એકમાત્ર મહિલા કોન્સ્ટેબલે તાત્કાલિક પોલીસ સ્ટેશન ફોન કરીને જાણ કરી હતી. ત્યારબાદ પીએસઆઈ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ સહેલાણીઓને કિનારેથી સુરક્ષિત રીતે દૂર ખસેડવામાં આવ્યા હતા. રજાના દિવસોમાં અહીં આ પ્રકારની ઘટના વારંવાર બની રહી છે. તેથી સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકો દ્વારા હવે માંગ કરાઈ છે કે, ચોમાસા દરમિયાન સહેલાણીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દમણના 'નમો પથ' અને દરિયાકિનારાના માર્ગો પર જ જવા પર સંપૂર્ણ રોક લગાવવી જોઈએ. ઉપરાંત માત્ર એક મહિલા કોન્સ્ટેબલ અને ગાર્ડના ભરોસે ચાલતી સુરક્ષા વ્યવસ્થાને બદલે પૂરતો પોલીસ બંદોબસ્ત અને પ્રોફેશનલ લાઈફ્ગાર્ડ્સ તૈનાત કરવા જોઈએ, સાથે જ નિયમો તોડનાર, નશો કરીને ધમાલ મચાવનાર અને પોલીસ સાથે ગેરવર્તણૂક કરનાર સામે દંડ સાથે કડક ફોજદારી પગલાં ભરવા જોઈએ.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો