વાપી : વલસાડ જિલ્લામાં પડેલા અતિભારે વરસાદને કારણે પારડી તાલુકાના ટુકવાડા વિસ્તારમાં અત્યંત જોખમી પરિસ્થિતિ સર્જાઈ હતી. પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે અનેક લોકો વચ્ચે ફ્સાઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ વિકટ પરિસ્થિતિની જાણ થતાં જ પારડી પોલીસ મથકના પીઆઈ વાય.બી. ગોહિલ પોતાની પોલીસ ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભારે જોખમ હોવા છતાં તેમણે હોડીની મદદથી પાણીની વચ્ચે ફ્સાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનો રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ. પોતાના જીવની પરવા કર્યા વગર પીઆઈ વાય.બી. ગોહિલ અને તેમની ટીમે ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડયું હતું. ઓપરેશનને સ્થાનિક લોકોએ દિલથી બિરદાવ્યું હતું.
