વાપી જી.આઈ.ડી.સી. થર્ડ ફેઝ વિસ્તારમાંથી પસાર થતી દમણગંગા નહેરમાં આજે વહેલી સવારથી ઘેરા વાદળી (બ્લૂ) રંગનું પાણી વહેતું જોવા મળતાં સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા અને અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. થર્ડ ફેઝના પાછળના ભાગેથી શરૂ થઈ રાતા વડિયાવાડ ફળિયા સહિતના વિસ્તારોમાંથી પસાર થતી નહેરમાં અચાનક રંગીન પાણી દેખાતાં કોઈ અજાણી કંપની દ્વારા કથિત રીતે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોમાં ઉઠતી ચર્ચા મુજબ દિવાળીના રજાના દિવસોમાં કોઈ કંપની દ્વારા પોતાના પ્રદૂષણના પાપને છુપાવવા માટે નહેરમાં રંગયુક્ત પાણી છોડવામાં આવ્યું હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. તાજેતરમાં જ વાપીમાં પર્યાવરણને અનુરૂપ ઔદ્યોગિક કામગીરી અને પ્રદૂગણ અટકાવવા અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ બીજી તરફ નહેરમાં ઘેરા વાદળી રંગનું પાણી વહેતું જોવા મળતાં 'શેઠની શિખામણ ઝાંપા સુધી' જેવી સ્થિતિ સર્જાઈ હોવાની ચર્ચા લોકોમાં જોર પકડી રહી છે.વહેલી સવારથી નહેરમાં વહેતું આ રંગયુક્ત પાણી થર્ડ ફેઝના વડિયાવાડ વિસ્તારથી લઈને છેક છીરી સુધીના વિસ્તારમાં જોવા મળ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ ઘટનાને પગલે નહેરના પાણીના ઉપયોગ અંગે પણ ગંભીર ચિંતા ઊભી થઈ છે. દમણગંગા નહેરના પાણીનો ઉપયોગ આસપાસના વિસ્તારોમાં રહેતા અનેક લોકો દ્વારા કરવામાં આવે છે. નહેરમાં અનેક મહિલાઓ કપડાં ધોવા માટે આવે છે, જ્યારે બાળકો પણ નહેરના પાણીમાં સ્નાન કરતા હોવાનું જોવા મળે છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં રહેતાં પશુધન અને ઢોરઢાંખર પણ નહેરનું પાણી પીવે છે.આવા સંજોગોમાં જો નહેરમાં ખરેખર કેમિકલયુક્ત કે હાનિકારક પાણી છોડવામાં આવ્યું હોય તો તે સ્થાનિક લોકો, મહિલાઓ, બાળકો અને પશુધનના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. નહેરના પાણીમાં કોઈ ઝેરી કે હાનિકારક તત્ત્વોની હાજરી છે કે કેમ, તે અંગે તાત્કાલિક તપાસ કરવી અત્યંત જરૂરી બની છે. સ્થાનિકોમાં એવી ચર્ચા પણ ઉઠી રહી છે કે પ્રદૂગણ નિયંત્રણની જવાબદારી ધરાવતા વિભાગની યોગ્ય દેખરેખના અભાવે કોઈ કંપની દ્વારા નહેરમાં આવું પાણી છોડવાની હિંમત કરવામાં આવી હોય શકે છે. જોકે, આ બાબતની સત્યતા તપાસ બાદ જ બહાર આવશે.હાલમાં નહેરમાં વહેતા વાદળી રંગના પાણીમાં એસિટિક કેમિકલ કે અન્ય કોઈ ઔદ્યોગિક રસાયણ છે કે કેમ, તે તપાસનો વિગય છે. પરંતુ નહેરમાં અચાનક રંગયુક્ત પાણી વહેવાની ઘટના ગંભીરતાથી લેવાની જરૂર છે. સ્થાનિક લોકો દ્વારા નહેરના પાણીના નમૂનાઓ તાત્કાલિક લેવામાં આવે, તેની વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે અને જો કોઈ કંપની દ્વારા ગેરકાયદેસર રીતે પ્રદૂગિત પાણી છોડવામાં આવ્યું હોવાનું સાબિત થાય તો જવાબદાર કંપની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
