દમણમાં માછીમારો દ્વારા 'નાળિયેર પૂનમ'ની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી. માછીમાર સમુદાય દ્વારા સૌ પ્રથમ સમુદ્ર દેવતા, વરુણ દેવ અને હોડીની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. પરંપરાગત રીતે ગીત-સંગીત અને નૃત્યની રમઝટ પણ જામી હતી. જે પ્રથા રક્ષાબંધનના પવિત્ર રીતિ-રિવાજો સાથે પણ જોડાયેલી છે.
નાળિયેરી પૂનમનો આ પર્વ દરિયાઈ માછીમાર સિઝનની ભવ્ય શરૂઆતનું પ્રતીક છે. આ દિવસથી માછીમારો જળ-વ્યાપાર અને મત્સ્યઉદ્યોગનો દર વર્ષે આરંભ કરે છે. શુક્રવારે લોકોએ સમુદ્રનારાયણને પ્રાર્થના કરી હતી કે આગામી વર્ષ સુખ, સમૃદ્ધિ અને ધન-ધાન્યથી ભરેલું રહે, હવામાન અનુકૂળ રહે અને નૌકાવ્યવહાર માછીમારોની તરફેણમાં રહે, જેથી તેમનું જીવન સુરક્ષિત અને સમૃદ્ધ બને. કોળી સમાજ અને અન્ય સ્થાનિક સમાજના લોકોએ પણ સમુદ્રમાં નાળિયેર અર્પણ કરી વરુણદેવ અને સમુદ્રનારાયણને પ્રાર્થના કરી હતી. દમણમાં લાયન્સ ક્લબ દ્વારા પણ નાળિયેરી પૂનમ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પર્વમાં દમણ-દીવના સ્થાનિકો જોડાયા હતા અને સમુદ્રની પૂજા કરી, આગામી સમયમાં મત્સ્ય વ્યવસાયની સમૃદ્ધિ અને સુરક્ષાની કામના કરી હતી.
