દાદરા અને નગર હવેલીના 73મા મુક્તિ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી, દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવ પ્રદેશ દ્વારા સિલવાસા સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય 'અટલ ભવન' ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ મહેશભાઈ અગરિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ ઉપસ્થિત જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને કાર્યકરોએ સામૂહિક રીતે રાષ્ટ્રગાન ગાઈ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પી તેમના બલિદાનને યાદ કરાયું હતુ.

કાર્યક્રમને સંબોધતા પ્રદેશ પ્રમુખ મહેશભાઈ અગરિયાએ જણાવ્યું હતું કે, દાદરા અને નગર હવેલીનો મુક્તિ દિવસ માત્ર ઇતિહાસનું એક મહત્વપૂર્ણ પ્રકરણ નથી, પરંતુ રાષ્ટ્રભક્તિ, ત્યાગ અને જનશક્તિનો પ્રતિક છે. આ ભૂમિના વીર સ્વાતંત્ર્ય સેનાનીઓએ વિદેશી શાસનમાંથી મુક્તિ માટે અદમ્ય સાહસ દર્શાવ્યું હતું, જેના પરિણામે આજે પ્રદેશ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. તેમણે તમામ નાગરિકોને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા સક્રિય યોગદાન આપવા અપીલ કરી હતી.

આ પ્રસંગે દાદરા અને નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે જણાવ્યું હતું કે મુક્તિ દિવસ આપણા પૂર્વજોના સંઘર્ષ, બલિદાન અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણની યાદ અપાવે છે. કેન્દ્ર સરકારના નેતૃત્વમાં દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવમાં થયેલા અભૂતપૂર્વ વિકાસ કાર્યોનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચી રહ્યો છે.

કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ મહામંત્રી સુનીલ પાટીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ધર્મેશસિંહ ચૌહાણ, ભારતીબેન હલપતિ, પ્રદેશ મંત્રી દ્વારિકાનાથ પાંડે, દાદરા અને નગર હવેલી જિલ્લા પંચાયતના અધ્યક્ષા નિશાબેન ભાવર, સિલવાસા નગરપાલિકાના પ્રમુખ સોમનાથ પાટીલ, સિલવાસા શહેર જિલ્લા પ્રમુખ શાંતુભાઈ પુજારી સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય'ના ગગનભેદી નારાઓ સાથે કરવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો