19
વલસાડ જિલ્લા આચાર્ય સંઘનું અધિવેશન અને સ્નેહમિલનનો કાર્યક્રમ કે.કે. હરિઆ હાઈસ્કૂલ કરવડ વાપી ખાતે વલસાડ જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને શાળાના વિદ્યાર્થીઓના સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય દીપકકુમાર એન. પટેલે ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અને શબ્દોથી હાર્દિક સ્વાગત કર્યું હતુ. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી ડો.રાજશ્રીબેન ટંડેલે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી સૌ આચાર્ય મિત્રોને શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શન આપ્યું હતું. નિવૃત્ત થયેલા આચાર્યો, વિશિષ્ટ કામગીરી કરેલ આચાર્ય તથા જિલ્લામાં શ્રોષ્ઠ શાળા તરીકે પસંદગી પામેલ શાળાના આચાર્યને જિલ્લા શિક્ષણ અધિકારી અને આચાર્ય સંઘ દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.પ્રાસંગિક પ્રવચન પ્રમુખ દિનેશભાઈ પટેલ, અન્વેષક પંકજભાઈ પરમાર અને મહિલા ઉપ-પ્રમુખ ચેતનાબેન પટેલ (આચાર્ય, ભથિની સમાજ હાઈસ્કૂલ) દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ 2026થી 2028 માટે દીપકભાઈ આર. પટેલ (એસ.એમ.એસ. હાઇસ્કુલ, ધરમપુર) અને દીપકકુમાર એન. પટેલ (આચાર્ય, કે.કે. હરિઆ હાઈસ્કૂલ, કરવડ)ની હોદ્દેદારો તરીકે વરણી કરવામાં આવી હતી. કેતનભાઇ પટેલ (આચાર્ય, જોરાવાસણ હાઇસ્કુલ) અને સંજયસિંઘ ડોડીયા (સાર્વજનિક હાઈસ્કૂલ, સાવરમાળ)ની મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. સાથે કારોબારી સભ્યો નિમવામાં આવ્યા હતા.
