દેશને નશામુક્ત બનાવવા અને યુવાનોને માદક દ્રવ્યોના દુષ્પ્રભાવો પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આયોજિત 'ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સ' રાષ્ટ્રીય મોટરસાઇકલ રેલી કેન્દ્રશાસિત પ્રદેશ દમણ આવી પહોંચી હતી. બામણપૂજા ચેકપોસ્ટ પર પોલીસ, પ્રશાસન અને સ્થાનિક જનપ્રતિનિધિઓએ બાઇક રાઇડર્સનું ઉત્સાહભેર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ ઉપલક્ષ્યમાં દમણના ઐતિહાસિક લાઇટ હાઉસ ખાતે સંઘ પ્રશાસન અને પોલીસ વિભાગ તરફથી એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે દમણ-દીવ અને દાદરા નગર હવેલીના ડીઆઈજીપી સંતોષકુમાર મીણા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે દમણ પોલીસ અધિક્ષક કેતન બંસલ, ડેપ્યુટી કલેક્ટર આરતી અગ્રવાલ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ અને જવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે રાષ્ટ્રગીત અને 'વંદે માતરમ'ના ગાનથી થઈ હતી. રેલીમાં પોલીસ અધિકારીઓ ઉપરાંત એનએસજી, સીઆરપીએફ્, આરપીએફ્, સીઆઈએસએફ્, આઈટીબીપી, એનડીઆરએફ્ અને એસએસબી સહિત વિવિધ સુરક્ષા દળોના જવાનો સામેલ થયા હતા. ડીઆઈજીપી સંતોષકુમાર મીણાએ જણાવ્યું હતું કે, આ રેલી દમણથી વલસાડ, નવસારી અને અંકલેશ્વર થઈને ગુજરાતના એકતાનગર (કેવડિયા) પહોંચશે અને આગામી 31 ઓક્ટોબરે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણીમાં ભાગ લેશે. પ્રસ્થાન પૂર્વે ડીઆઈજીપી સંતોષકુમાર મીણાએ ઉપસ્થિત યુવાનોને નશાથી દૂર રહેવા, જીવનમાં શિસ્ત જાળવવા અને પરિવાર તથા સમાજ પ્રત્યે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાના શપથ લેવડાવ્યા હતા.
