રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીના મોરાઈ વટાર મુખ્ય રસ્તાથી બગવાડા વચ્ચે કોલક નદી ઉપર રૂ. 1515.59 લાખના ખર્ચે તૈયાર થયેલા મેજર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ અને સાંસદ ધવલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, સમગ્ર દુનિયામાં અનેક દેશોનો અર્થતંત્ર નબળા પડયા હતા, તેવી સ્થિતિમાં પણ આપણા દેશનું સુકાન અને કુશળ નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથમાં હોવાથી દેશનો જીડીપી દર વધતો ગયો છે. આપણે સૌએ જાગૃત થઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવાના છે. દેશમાં, રાજ્યમાં તેમજ આપણા જિલ્લામાં વિકાસના અનેકવિધ કામો થયા છે અને થઈ રહ્યા છે જેના દ્વારા આપણે વિકસિત ભારત 2047ના સપનાને સાકાર કરીશું. લોકસભાના દંડક અને સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું કે, નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે આપણુ ગુજરાત વિકાસ પામતુ રાજ્ય હતુ. પરંતુ જ્યારથી તેઓ મુખ્યમંત્રી બન્યા, ત્યારથી તેમણે લોકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ મુકી છે. લોકોને રોજગારી મળી રહે તે માટે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરાવાઈ હતી. તેથી દેશ વિદેશની કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કર્યુ અને ગુજરાત આજે મેન્યુફ્રેક્ચર હબ તરીકે જાણીતુ બન્યુ છે. આજે ભારત વિશ્વનું સૌથી મોટુ અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે ત્યારે 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બને તે માટે પાયાનું કામ થઈ રહ્યુ છે. માર્ગ અને મકાન (સ્ટેટ)ના વલસાડ જિલ્લાના કાર્યપાલક ઈજનેર જતીન પટેલે જણાવ્યું કે, આ ફલાયઓવરબ્રિજ બનવાથી વાપી, સલવાવ, ટુકવાડા, મોરાઈ, વટાર, દમણ જીઆઈડીસી તરફથી આવતા અને ને.હા. 48 તરફ જતા ટ્રાફિક માટે ખૂબ જ ટૂંકો સમય લાગશે. આ બ્રિજ એક બાજુ વાપી શહેર અને બીજી બાજુ વટાર અને દમણ ઈન્ડસ્ટ્રીયલ એરિયાને જોડે છે. જેથી લોકોને સરળતા રહેશે. આ પ્રસંગે મોરાઈ ઈન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા મંત્રી અને સાંસદનું પુષ્પગુચ્છથી ભવ્ય સ્વાગત કરાયુ હતું. કાર્યક્રમમાં વાપીના મેયર દક્ષાબેન પટેલ, ડે.મેયર મિતેશ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતિગ પટેલ, વાપી મનપા કમિશ્નર એન.એફ.ચૌધરી અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા છે.
