બનાસકાંઠાના થરાદ તાલુકાના પિલુડા નજીક પાંચ દિવસ પહેલા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતનો મામલો હવે ગરમાયો છે. દારૂ ભરેલી કાર પલટી જવાથી બે યુવકોના મોત નીપજ્યા હતા, જેને અત્યાર સુધી અકસ્માત માનવામાં આવતો હતો. પરંતુ હવે મૃતક યુવકોના પરિવારજનોએ આ ઘટનાને અકસ્માત નહીં પણ પૂર્વઆયોજિત 'હત્યા' ગણાવી છે.
દારૂ ભરેલી કાર પલટી જવાથી બે યુવકોના મોત
પાંચ દિવસ પહેલા પિલુડા નજીક એક કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસમાં કારમાંથી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે, હવે નારોલી ગામના મૃતક યુવકના પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે.
સ્કોર્પિયો કારે પીછો કર્યાનો આક્ષેપ
પરિવારજનોના જણાવ્યા અનુસાર, યુવકોની કાર પોતે પલટી નથી, પરંતુ કોઈ અજાણી સ્કોર્પિયો કારે તેમનો લાંબા અંતર સુધી પીછો કર્યો હતો. આક્ષેપ છે કે પીછો કરનાર કારે યુવકોની કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે કાર કાબૂ બહાર જઈ પલટી ખાઈ ગઈ હતી. પરિવારે સ્પષ્ટ શબ્દોમાં આને હત્યા ગણાવી છે.
CCTV ફૂટેજ રજૂ કરી તપાસની માગ
આ મામલે પરિવારે કેટલાક CCTV ફૂટેજ પણ રજૂ કર્યા છે, જેમાં એક શંકાસ્પદ ગાડી યુવકોની કારનો પીછો કરતી જોવા મળી રહી છે. પરિવારે આ પુરાવા સાથે પોલીસ પાસે ન્યાયની માગ કરી છે અને આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે હત્યાનો ગુનો નોંધવાની રજૂઆત કરી છે.
આ પણ વાંચો: Surat: સ્પાના નામે દેહવ્યાપારનું હાઈટેક નેટવર્ક ચલાવતો વોન્ટેડ આરોપી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં