સરહદી પંથક વાવ-થરાદમાં સિંચાઈ માટે બનાવાયેલી કેનાલોની જાળવણી અને સાફ-સફાઈ પાછળ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ધરણિધર તાલુકાના ચોથાનેસડા ગામની સીમમાંથી પસાર થતી માઇનોર નંબર 4 કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
સાફ-સફાઈના અભાવે કેનાલ બની ઓવરફ્લો
પ્રાપ્ત માહિતી અનુસાર, કેનાલોની યોગ્ય સાફ-સફાઈ કર્યા વગર તેમાં પાણી છોડવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. માઇનોર કેનાલ નંબર 4 માં માટી અને કચરો ભરાઈ જવાથી પાણીનો પ્રવાહ અવરોધાયો હતો, પરિણામે કેનાલ ઓવરફ્લો થઈ હતી. ઓવરફ્લો થયેલું આ લાખો લિટર પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું, જેનાથી ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે.
એકબાજુ વેડફાટ, બીજી બાજુ ખેડૂતો પાણી વિહોણા
અહીં વિરોધાભાસી સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ કેનાલ તૂટવાના કે ઓવરફ્લો થવાના કારણે લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, તો બીજી તરફ અનેક છેવાડાના ખેડૂતોને હજુ સુધી પૂરતું પાણી મળી રહ્યું નથી. ગતરોજ પણ આ વિસ્તારમાં અન્ય ત્રણ કેનાલોમાં મસમોટા ગાબડાં પડ્યા હોવાના અહેવાલો હતા.
કરોડોની ગ્રાન્ટ ક્યાં?
ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલોની સાફ-સફાઈ માટે તંત્ર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, છતાં કેનાલોની યોગ્ય જાળવણી થતી નથી. આ ઘટના માટે કોન્ટ્રાક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારીઓની બેદરકારી જવાબદાર હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તંત્ર તાત્કાલિક અસરથી કેનાલોની મરામત અને સાફ-સફાઈનું કાર્ય હાથ ધરે તેવી ખેડૂતોની માંગ છે.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ