વાવ-થરાદના મોરીખા ગામેથી એક અત્યંત દુખદ અને ચકચારી ઘટના સામે આવી છે. ગામમાં આવેલા વારીયુ તળાવમાંથી એક 28 વર્ષના આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી ગયા હતા.


થરાદ ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો

તળાવમાં યુવકનો મૃતદેહ હોવાની સ્થાનિકોને ખબર પડતાં જ તાત્કાલિક થરાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને તળાવના પાણીમાંથી બહાર કાઢ્યો હતો.

મૃતક યુવક પરણિત અને એક સંતાનનો પિતા હતો

તળાવમાંથી બહાર કઢાયેલા મૃતદેહની ઓળખ વિધિ કરતા જાણવા મળ્યું છે કે, મૃતક યુવક મોરીખા ગામનો જ વતની હતો અને તેનું નામ પરમાર લખીરામભાઈ નરભેરામભાઈ (ઉંમર 28 વર્ષ) હતું. આ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે, કારણ કે મૃતક લખીરામભાઈ પરણિત હતા અને તેમને સંતાનમાં એક નાનું બાળક પણ છે. યુવકના મોતના સમાચાર મળતા જ પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયું છે.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

આ ઘટનાની ગંભીરતાને જોતાં વાવ મામલતદાર અને સ્થાનિક પોલીસની ટીમ પણ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે યુવકના મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટ મોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. યુવક તળાવમાં કેવી રીતે પડ્યો, આ આત્મહત્યા છે, અકસ્માત છે કે પછી કોઈ અન્ય કારણ, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો - Gujarat weather News: આગામી બે દિવસમાં રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી



  • Follow us on: