આ સંસારમાં બે પ્રકારના સામ્રાજ્યો રચાય છે. એક સામ્રાજ્ય ઇંટો અને પથ્થરોથી બને છે, એક સત્તા અને સંપત્તિના જોરે ઊભું કરવામાં આવે છે. બીજું સામ્રાજ્ય લોકોના વિશ્વાસ અને આદરથી બને છે, જે નીતિ અને સત્યના પાયા પર ટકેલું હોય છે. સત્ય ધર્મયુક્ત મળેલું પદનું આયુષ્ય અને ચારિત્ર્યનો વારસો ગમે તેવી આફ્તોમાં અડીખમ ઉભો રહે છે. પરંતુ અધર્મનું વૃક્ષ ભલે ઝડપથી મોટું થાય, પણ તેના મૂળ ઊંડા નથી હોતા. એક નાનકડો પવન તેને ઉખેડી નાખે છે. પદ તો વસ્ત્ર્ર જેવું છે, જે આજે તમારી પાસે છે તો કાલે બીજા પાસે હશે પરંતુ કર્મથી કમાયેલું પદ વિદાય લેતું નથી.
ઘણીવાર માણસને લાગે છે કે ટૂંકા રસ્તે, થોડું જૂઠ બોલીને કે કોઈનો હક છીનવીને મેળવેલું ધન તેને સુખી કરી દેશે. આ ધનના જોરે તે સમાજમાં એક મોટું પદ પણ મેળવી લે છે. તેની આસપાસ ભીડ જમા થાય છે, તેને સાહેબ કે શેઠ કહીને સંબોધવામાં આવે છે. પણ આ બધું જ એક ભ્રમ છે.કારણ કે અધર્મથી મળેલું શક્તિહીન છે. તેની પાસે સત્તા છે પણ પ્રભાવ નથી. તેની પાસે હુકમ કરવાની શક્તિ છે પણ કોઈના હૃદય પર રાજ કરવાની ક્ષમતા નથી. જે લોકો નમે છે, તેઓ તેની ખુરશીને નમે છે, તેમને ભ્રમ હોય છે કે મને નમે છે. જે દિવસે એ ખુરશી ગઈ, એ જ દિવસે એ બધું જ માન હવામાં ઓગળી જશે. આવું પદ ક્યારેય ટકતું નથી, કારણ કે તેની પાછળ કોઈનું મન જોડાયેલું નથી હોતું, માત્ર સ્વાર્થ હોય છે. સાચી સફ્ળતા એ છે જે ધર્મ (કર્તવ્ય) થી શરૂ થાય છે. જ્યારે માણસ નીતિને વરેલો હોય, ત્યારે તેનું કર્મ શુદ્ધ બને છે. આવા પવિત્ર કર્મથી જે કાંઈ ધન મળે છે, તે માત્ર તિજોરી નથી ભરતું, પણ આત્માને સંતોષ આપે છે.જ્યારે વ્યક્તિ આવા પાયા પર રહીને કોઈ પદ સુધી પહોંચે છે, ત્યારે તેને લોકોનું માન ભેટમાં મળે છે. આ માન ખરીદેલું નથી હોતું, કમાયેલું હોય છે. લોકોના મનમાં તેના પ્રત્યે એવી શ્રાદ્ધા જન્મે છે જે તેને ખરા અર્થમાં 'શક્તિશાળી' બનાવે છે. આવી વ્યક્તિ પદ પર હોય કે ન હોય, તેનું સન્માન ક્યારેય ઓછું થતું નથી.ઈતિહાસ સાક્ષી છે કે અધર્મનું વૃક્ષ ભલે ઝડપથી મોટું થાય, પણ તેના મૂળ ઊંડા નથી હોતા. એક નાનકડો પવનનો ઝાપટો પણ તેને ઉખેડી નાખે છે. જ્યારે સત્યના પાયા પર ઊભેલી વ્યક્તિ ભલે ધીમે આગળ વધે, પણ તેનું પદ પથ્થરની લકીર જેવું અવિચળ હોય છે.










