વાવ-થરાદ પંથકમાં ખાણીપીણીની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. થરાદ રેફરલ હોસ્પિટલ અને ક્રિષ્ના હોસ્પિટલ નજીક આવેલી લારી પરથી ખરીદવામાં આવેલા પકોડીના પાર્સલમાંથી જીવાત મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે.
થરાદના ચારડા ગામના રહીશ પોતાના બાળકો માટે પકોડીનું પાર્સલ ઘરે લઈ ગયા હતા, જ્યાં પેકિંગ ખોલતા પકોડીમાંથી જીવાત નીકળી હતી, જેને કારણે પરિવાર ચોંકી ઉઠયો હતો.જો બાળકે આ દૂષિત ખોરાક ખાઈ લીધો હોત અને સ્વાસ્થ્ય ગંભીર રીતે જોખમાયું હોત તો તેની જવાબદારી કોની હોત તેવા સવાલો ઉઠયા હતા.શહેરમાં રસ્તા પર ધમધમતી ખાણીપીણીની લારીઓ પર ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું હોવા છતાં ફૂડ વિભાગ નિષ્ક્રિય બેઠો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે થરાદ શહેરની તમામ ખાણીપીણીની લારીઓ અને સેન્ટરોની અચાનક ચકાસણી કરવામાં આવે.શંકાસ્પદ ખાદ્યપદાર્થોના સેમ્પલ લઈને લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવેની માગણી ઉઠવા પામી છે.
