સરહદી ઢીમા સુપ્રસિદ્ધ ધરણીધર ભગવાનના મંદિરની પૂજા બાબતે પૂજારી સેવકો અને પૂજારી ઢેમેચા પરિવાર વચ્ચે વિવાદ સર્જાયો છે. પૂજારી તરીકે ઓળખાતા ઢેમેચા પરિવાર દ્વારા મંદિરના ટ્રસ્ટીગણ અને અન્ય સેવક પૂજારીઓને કાનૂની નોટિસ ફ્ટકાર્યા બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. બીજી તરફ્ સુલે શાંતિનો ભંગ ન થાય તે માટે ટ્રસ્ટીઓએ કલેકટરને લેખિત રજૂઆત કરી હતી. આમ બંને પક્ષો પૂજાને લઈ આમને સામને આવી જતા તંત્રને રજૂઆતો કરી યોગ્ય પગલા ભરવા માંગ કરી હતી.


ઢીમા ગામના ઢેમેચા પરિવાર દ્વારા ધરણીધર ભગવાન મંદિર ટ્રસ્ટીઓને આપેલી નોટીસમાં જણાવ્યા અનુસાર ઢીમાના ઢેમેચા પરિવાર આદિ અનાદિકાળથી ધરણીધર ભગવાનના દર વર્ષે મૂળ પૂજારી તરીકે સેવા આપતો આવ્યો છે.દર વર્ષે મહાશિવરાત્રી અને તેનો બીજો દિવસ, તથા ફાગણ સુદ અગિયારસ (આમલકી એકાદશી) અને તેનો બીજો દિવસ - એમ કુલ ચાર દિવસની સેવા-પૂજા, દાન-દક્ષિણા અને આવકનો વંશપરંપરાગત હક્ક ઢેમેચા પરિવારનો છે. બીજી તરફ્ તેમનો આવો કોઈ હક નથી તેવો દાવો મંદિરના ટ્રસ્ટીઓએ કરતા વિવાદ છંછેડાયો હતો. જે સમગ્ર મામલો વાવ પોલીસ મથકે પહોંચ્યો હતો. શિવરાત્રિ હોવાથી પૂજા કરવા માટે પોલીસ પ્રોટેક્શનની માગણી સાથે લેખિતમાં રજૂઆત કરાઈ હતી. તેમજ ઢેમેચા પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે અમો પરંપરાગત વર્ષના ચાર દિવસ પૂજા કરતા આવ્યા છીએ. જેથી પૂજા કરવાનો અમારો અધિકાર છે.તેમજ ચાર દિવસની પૂજા દરમ્યાન આવતી આવકની જરૂર નથી. જે આવક સરકારમાં જમા કરાવશું પરંતુ અમને પૂજા કરવા દે. જો અમને અમારી પૂજા બાબતે ન્યાય નહીં મળે તો અમો કોર્ટના દ્વાર ખખડાવીશું. તો બીજી તરફ્ ટ્રસ્ટીઓએ કલેકટરને લેખિતમાં રજૂઆત કરી શિવરાત્રી હોવાથી લોક મેળો ભરાશે જે મેળામાં સુલે શાંતિનો ભંગ ન થાય તે માટે રજૂઆત કરી હતી જેને લઈને વાવ પોલીસ દ્વારા બંને પક્ષોને સમજાવવાનો ભારે પ્રયાસ કર્યો તો આખરે મંદિરમાં સુલે શાંતિનો પગ ન થાય તે માટે બંને પક્ષોને પોલીસે ચેતવણી આપી હતી ને મંદિરમાં ચુસ્ત પોલીસ ગોઠવાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: