વાવ થરાદ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટેની પોલીસવડા ચિંતન તરૈયાની કડક સૂચનાના પગલે, SOG વાવ-થરાદની ટીમે સરાહનીય કામગીરી કરતા એક રીઢા ગુનેગારને મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે. ગણતરીના કલાકોમાં જ મંદિરની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે મોટી સફ્ળતા મેળવી છે.
વાવ થરાદ જિલ્લા SOG પીઆઇ એ.જી. રબારી તથા તેમનો સ્ટાફ્ થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન તાખુવા ગામ પાસે એક શંકાસ્પદ મોટરસાઈકલ સવાર મળી આવ્યો હતો. પોલીસે તેને અટકાવી પૂછપરછ કરતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. તેની પાસે રહેલી પ્લાસ્ટિકની થેલીની તપાસ કરતા તેમાંથી ચાંદીની મૂર્તિઓ મળી આવી હતી, જેના આધારે ચોરીનો આખો ભાંડો ફૂટયો હતો. જેમાં મંદિર ચોરી આરોપીએ તા. 01/01/2026ના રોજ બેટલીયા ગામે આવેલ ગોગા મહારાજના બે અલગ-અલગ મંદિરોમાંથી ચાંદીની મૂર્તિઓ અને પારણાની ચોરી કરી હતી. અને આશરે દોઢ મહિના પહેલા થરાદ બજારમાંથી ચોરી કર્યું હોવાની કબૂલાત કરતા ઝડપાયેલ મુકેશ બાબુભાઈ રાવળ રહે. મિયાલ, તા. થરાદ (હાલ રહે. નારોલી) વાળાની અટક કરી તેની પાસેથી ચોરી કરેલ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.










