થરાદ પોલીસ સ્ટેશન અંતર્ગત કાર્યરત પિલુડા જનરક્ષક 112ની ટીમ દ્વારા માનવતાવાદી અને પ્રશંસનીય કામગીરી કરી કેનાલમાં આત્મહત્યા કરવા આવેલી એક મહિલાનો અમૂલ્ય જીવ બચાવી લેવામાં આવ્યો છે.
બનાવની વિગતો અનુસાર, પીઆઇ એ.જી.રબારીના જણાવ્યા અનુસાર પિલુડા બીટની 112 વાનની ટીમ ભાપી ગામની વર્ધી પૂર્ણ કરી પરત પિલુડા ફરી રહી હતી. તે દરમિયાન ભાપી ગોળીયા કેનાલના પુલ ઉપર એક મહિલા શંકાસ્પદ અને ચિંતિત હાલતમાં આંટાફેરા મારતી નજરે પડી હતી. ટીમના કર્મચારીઓએ ત્વરિત સતર્કતા દાખવી મહિલા પાસે જઈ તેની પૂછપરછ કરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મહિલાએ જણાવ્યું હતું કે, પતિ-પત્ની વચ્ચે પારિવારિક ઝઘડો અને મનદુઃખ થયા બાદ તે કંટાળીને કેનાલ પર આત્મહત્યા કરવાના ઈરાદે આવી છે. ઘટનાની ગંભીરતાને પારખીને 112 ની ટીમે તાત્કાલિક ધોરણે મહિલાના પતિ તેમજ આજુબાજુના સ્થાનિક લોકોને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. પોલીસ અને સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં બંને પતિ-પત્નીની વાત સાંભળી તેમની વચ્ચે કાઉન્સેલિંગ કરી સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું. ગેરસમજ દૂર થયા બાદ સમજાવટના અંતે આ મહિલાને તેના પતિ સાથે સુરક્ષિત રીતે તેમના ઘરે રવાના કરવામાં આવી હતી. સમયસરની દખલગીરી અને માનવતાવાદી અભિગમ અપનાવીને એક મહિલાને આત્મહત્યા કરતા બચાવી લેનાર થરાદ પોલીસ સ્ટેશનની 112 જનરક્ષક ટીમની આ સરાહનીય કામગીરીને લોકહિયે ભારે બિરદાવવામાં આવી રહી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો