ગીર સોમનાથનું વેરાવળ શહેર હવે ધીમે ધીમે સિંહોનું કાયમી ઠેકાણું બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગત રાત્રે વેરાવળ શહેરની ભાગોળે આવેલા સાઈબાબા મંદિર પાછળના ડારી રોડ પર એકસાથે ચાર સિંહો આવી ચઢતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
રહેણાંક વિસ્તારમાં સિંહોની દોડાદોડી
મળતી માહિતી મુજબ, બે સિંહણ અને બે બાળ સિંહો (શાબકો) નો પરિવાર મોડી રાત્રે જંગલ વિસ્તારમાંથી ભટકીને શહેરના ગીચ રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગયો હતો. આ સિંહો મુખ્ય માર્ગ પર કોઈ પણ ડર વગર બિન્દાસ રીતે દોડાદોડી કરતા જોવા મળ્યા હતા. ખોરાકની શોધમાં સિંહો હવે જંગલ છોડીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારો તરફ વળી રહ્યા છે, જે ચિંતાનો વિષય બન્યો છે.










