ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ વેરાવળમાં એક મોટી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. એક જ રજીસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરી બે અલગ-અલગ મોપેડ ચલાવતા અને ફાઈનાન્સ કંપની સાથે વિશ્વાસઘાત કરનાર 44વર્ષીય પ્રોઢને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


 વેરાવળમાં છેતરપિંડીનો પર્દાફાશ કર્યો

વેરાવળના રહેવાસી હસમુખભાઈ ઉર્ફે લાલાભાઈ કાનજીભાઈ ડોલરીયા પાસે પોતાની સુઝુકી બર્ગમેન મોપેડ (નંબર: GJ-32-AH-5586) હતી. તપાસમાં બહાર આવ્યું કે, આરોપીએ આ જ નંબર પ્લેટ તેના ભાણેજની કાળા રંગની ટીવીએસ જુપિટર મોપેડ પર લગાવી દીધી હતી. આમ, તે એક જ નંબર પ્લેટનો ઉપયોગ બે અલગ-અલગ વાહનોમાં કરી પોલીસ અને આર.ટી.ઓ. (RTO) ને ગેરમાર્ગે દોરતો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીના બદઈરાદાનો ખુલાસો થયો છે. ટીવીએસ જુપિટર મોપેડ પર બેંકની લોન ચાલુ હતી. લોનના હપ્તા ન ભરીને ફાઇનાન્સ કંપનીને છેતરવા માટે અને વાહન ઓળખાય નહીં તે હેતુથી તેણે આ ખોટી નંબર પ્લેટ લગાવી હોવાની વિગતો સામે આવી છે.

બાતમીના આધારે SOGની કાર્યવાહી

SOG ઇન્ચાર્જ પી.આઈ. ડી.એમ. કાગડાની આગેવાનીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કૈલાશસિંહ બારડ અને મહાવિરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે, વેરાવળ ભોય સમાજની વાડી પાસે આવેલી “દીપ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ” દુકાન નજીક વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે ત્યાંથી હસમુખભાઈને ઝડપી પાડી તેની પાસેથી બંને મોપેડ જપ્ત કરી લીધી છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 


  • Follow us on: