ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનોનો ત્રાસ અસહ્ય બની ગયો છે. ખાસ કરીને વોર્ડ નંબર 5 માં કૂતરાઓના ટોળાએ એવો આતંક મચાવ્યો છે કે સ્થાનિક રહીશો માટે રાત્રિના સમયે ઘરની બહાર નીકળવું પણ જોખમી સાબિત થઈ રહ્યું છે. અનેક લોકોને કૂતરા કરડવાના બનાવો સામે આવતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
તંત્રની નિષ્ક્રિયતા અને લોકોનો રોષ
સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. લોકોનો આક્ષેપ છે કે શ્વાનો હવે દિવસ-રાત ટોળામાં ફરે છે અને રાહદારીઓ તેમજ વાહનચાલકો પર હુમલા કરી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે નાના બાળકો અને વડીલોને એકલા બહાર મોકલવા પણ જોખમી બન્યા છે.
