સાગરખેડુ માછીમાર સમાજનું ગૌરવ વધારનારું અને દેશના સ્વદેશી ઉદ્યોગ ક્ષેત્રે મહત્વનું કદમ સમું 2,200 ટનનું વિરાટ મહાકાય જહાજ વેરાવળ બંદર ખાતે આકાર પામી રહ્યું છે. આગામી મહિનામાં આ મહાકાય જહાજ વેરાવળના સમુદ્રમાં તરતું મુકાશે. આ વિરાટ જહાજની બનાવટ અત્યંત ભવ્ય છે. તેની લંબાઈ 151 ફૂટ, પહોળાઈ 55 ફૂટ અને ઊંચાઈ 27 ફૂટ છે. સમગ્ર જહાજ તૈયાર થતાં અંદાજે રૂ. 12 થી 14 કરોડનો ખર્ચ થાય છે. તેના નિર્માણમાં સાલુડનું લાકડું તેમજ 150 ગાડી (ગાડી દીઠ 10 ટન) બાવળના લાકડાનો ઉપયોગ કરાયો છે. પ્રતિ ઘન ફૂટ ખોખું તૈયાર કરવાનો ખર્ચ આશરે રૂ. 65,000 જેટલો આવે છે. જહાજની મજબૂતાઈ માટે ફિટિંગમાં ખીલાને બદલે નટ-બોલ્ટ વપરાય છે અને દરિયાની ખારાશથી બચાવવા ખાસ પ્રકારનો કલર લગાડવામાં આવે છે. 30 થી 35 કારીગરોની મહેનતથી આ જહાજ સામાન્ય રીતે દોઢ વર્ષમાં તૈયાર થાય છે, સ્વરોજગારી અને સંપૂર્ણ સ્વદેશી પદ્ધતિથી બનેલા આ જહાજમાં સમુદ્રની મુસાફરી દરમિયાન ઘર જેવી સુવિધાઓ ઊભી કરાઈ છે. જેમાં એસી રૂમ, કિચન, નાસ્તારૂમ, સ્ટોરરૂમ અને લેટ્રીન સહિતની વ્યવસ્થા છે. જહાજ ઓખાથી દુબઈ, સોમાલિયા સહિત દેશ-વિદેશની દરિયાઈ સફર કરશે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો