વેરાવળ નગરપાલિકાએ ચોમાસા પહેલા જર્જરિત અને જોખમી ઇમારતો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. પ્રથમ તબક્કામાં PGVCLના સહયોગથી ચાર બંધકામોના વીજ જોડાણ કાપી નાખ્યા છે.આગામી દિવસોમાં અન્ય જોખમી ઇમારતોના પાણી અને વીજ જોડાણ પણ તબક્કાવાર બંધ કરાશે. આ કાર્યવાહી નગરપાલિકાના મ્યુનિસિપલ એન્જિનિયર ભગીરથસિંહ પઢીયારના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પાલિકા અને PGVCLની સંયુક્ત ટીમે સ્થળ પર પહોંચી વીજ જોડાણો કાપી નાખ્યા હતા . જેમાં રિદ્ધિસીધી એપાર્ટમેન્ટ, મીરા હોટલ વાળું કોમ્પ્લેક્સ, નાના કોલીવાળા સામે આવેલ રામદેવ મોબાઈલ વાળું કોમ્પ્લેક્સ તેમજ પ્રકાશ કોમ્પ્લેક્સ દુર્ગા ફર્નિચર વાળા કોમ્પ્લેક્સ ના જોડાણો કાપ્યા છે.તેમજ 82થી વધુ જર્જરિત અને જોખમી ઇમારતોના મિલકતધારકોને અનેક વખત નોટિસો અપાઈ હોવા છતાં મોટા ભાગના માલિકોએ ઇમારતો ખાલી કરાવવા, સમારકામ કરવા કે તોડી પાડવા કોઈ પગલાં લીધા નથી.પાલિકા તંત્રના જણાવ્યા મુજબ, લોકોની જાનમાલની સુરક્ષા સર્વોપરી છે. તેથી હવે માત્ર નોટિસોથી કામ નહીં ચાલે. નિયમોની સતત અવગણના કરનાર મિલકતધારકો સામે કડકકાર્યવાહી કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં કુલ 12 જર્જરિત ઇમારતો સામે કાર્યવાહી શરૂ થઈ છે, જેમાં વીજ અને પાણીના જોડાણો કાપવાની પ્રક્રિયા ચાલી રહી છે.પાલિકા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ચોમાસામાં જર્જરિત ઇમારતો ધરાશાયી થવાની શક્યતા વધુ રહે છે. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં સાવચેતીના ભાગરૂપે આ પગલાં લેવાઈ રહ્યા છે. જોખમી ઇમારતોના માલિકોને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા અને રહેવાસીઓને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની પણ અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો