ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સહિતના વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાશે તેવી અફવાઓએ જોર પકડતા લોકોમાં ભારે ગભરાટ (પેનિક) જોવા મળી રહ્યો છે. સાંજ પડતાની સાથે જ શહેર અને હાઈવે પર આવેલા પેટ્રોલ પંપો પર વાહનચાલકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ અફવાઓને કારણે લોકોમાં એવી ફાળ પડી છે કે જો અત્યારે ઈંધણ નહીં ભરાવીએ તો આગામી દિવસોમાં મુશ્કેલી પડશે, જેના પરિણામે મોડી રાત સુધી પંપો પર વાહનોની લાંબી કતારો યથાવત જોવા મળી હતી.
હાઇવેના કેટલાક પંપ પર તાત્કાલિક ડ્રાય સ્થિતિ
પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે હાઈવે પરના કેટલાક પેટ્રોલ પંપો પર અચાનક 'નો સ્ટોક' અથવા 'ડ્રાય' સ્થિતિ સર્જાઈ હતી. ખરેખર, ઓઈલ કંપનીઓ દ્વારા ડેબિટ સુવિધા બંધ કરવામાં આવતા સપ્લાય ચેઈન પર આંશિક અસર પડી છે. બીજી તરફ, કન્ઝ્યુમર રેટમાં થયેલા વધારાને કારણે જથ્થાબંધ ખરીદદારો પણ રિટેલ પંપ તરફ વળ્યા છે, જેનાથી સામાન્ય જનતા માટેના પંપ પર ઘસારો અચાનક વધી ગયો છે. આ ટેકનિકલ કારણોને લોકોએ અછત માની લેતા ભયનો માહોલ ઉભો થયો છે.
