વિજાપુર તાલુકાના ઉબખલ ગામે આવેલી જીઆઈડીસીમાં ગુરુવારે વહેલી સવારે અગરબત્તીની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. વહેલી સવારે આગ લાગી હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. ઉબખલ જીઆઈડીસીમાં આવેલી જે.બી. અગરબત્તીની ફેક્ટરીમાં ગુરુવારે વહેલી સવારે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઊઠી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ફેક્ટરીમાં રહેલો કાચો અને તૈયાર માલ આગની લપેટમાં આવી ગયો હતો અને બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં 112 ઇમરજન્સી સેવા અને વસઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ વિજાપુર નગરપાલિકા, માણસા અને વિસનગર ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ આગમાં મોટું આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. વહેલી સવારે આગ લાગી હોવાથી ફેક્ટરીના કર્મચારીઓ કામ પર હાજર નહોતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
