વિજાપુરની આશ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આશ સેકન્ડરી સ્કૂલ ખાતે સૌપ્રથમવાર 'આશ વાઇબ્રન્ટ ગરબા નવરાત્રિ મહોત્સવટ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સાહના સંગમ સમાન આ કાર્યક્રમમાં કેજીથી ધોરણ-12 સુધીના હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ગરબાની રમઝટ બોલાવી હતી અને મા અંબેની આરાધના કરી હતી. રાત્રિના આ ભવ્ય ગરબા મહોત્સવમાં વિદ્યાર્થીઓ પરંપરાગત વસ્ત્ર્રોમાં સજ્જ થઈ ડીજેના તાલે ગરબે ઘૂમ્યા હતા. આ પ્રસંગે આશ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પટેલ, શાળાના પ્રિન્સિપાલ ચેતન પટેલ, વિજાપુર એપીએમસીના ચેરમેન રાજુ પટેલ, માધુ પટેલ, ચંદ્રકાંત પટેલ સહિત ટ્રસ્ટીગણ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ શાળા દ્વારા કરવામાં આવેલા સુંદર આયોજનને બિરદાવ્યું હતું. આશ સેકન્ડરી સ્કૂલ દ્વારા સૌપ્રથમવાર આયોજિત આ રાત્રિ ગરબા મહોત્સવ વિદ્યાર્થીઓ, વાલીઓ માટે આનંદ, ઉત્સાહ અને સાંસ્કૃતિક એકતાનો યાદગાર પ્રસંગ બની રહ્યો હતો.
