વિજાપુર-ગાંધીનગર હાઇવે પર રણાસણ ગામ નજીક સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વિજાપુર ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહોતી. મળતી માહિતી મુજબ, સ્વિફ્ટ કાર રણાસણથી વિજાપુર તરફ્ આવી રહી હતી. તે દરમિયાન રણાસણ ગામ નજીક પહોંચતાં અચાનક કાર રસ્તા પર બંધ પડી હતી. કારચાલકે નીચે ઉતરી તપાસ કરતાં કારમાંથી અચાનક આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. આ અંગે તાત્કાલિક વિજાપુર ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવતાં ફાયર ફાઇટર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગની ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. કારમાં આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી. ફાયર ટીમની સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો