મહીસાગર જિલ્લામાં ચોમાસા દરમિયાન થયેલા અપૂરતા અને છૂટાછવાયા વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને જિલ્લામાં મોટા પ્રમાણમાં વાવવામાં આવતા ડાંગરના પાકને હાલ પાણીની જરૂરિયાત ઊભી થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે લુણાવાડા, ખાનપુર, વિરપુર અને બાલાસિનોર તાલુકાના ખેડૂતો દ્વારા સુજલામ સુફ્લામ કેનાલમાં પાંચ દિવસ માટે પાણી છોડવાની માંગ ઉઠી છે. જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન મોટા પ્રમાણમાં ડાંગરની ખેતી કરે છે. હાલ ડાંગરના પાકને પાણીની ખાસ જરૂરિયાત છે. પાણી ન છોડાય તો ડાંગરના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
