જૂનાગઢના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં આજે એક અત્યંત કરુણ અને સાથે જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. સવારે એક માસૂમ બાળકને ફાડી ખાનાર સિંહણને પકડવા માટે ગયેલી વન વિભાગની ટીમ પૈકી એક કર્મચારીને ભૂલથી ટ્રેન્ક્યુલાઈઝર (બેભાન કરવાની દવા) નો ડોઝ વાગી જતાં તે પોતે જ ઘટનાસ્થળે બેભાન થઈ ગયો હતો.


બાળક પર હુમલા બાદ રેસ્ક્યુ ઓપરેશન

નાની મોણપરી ગામમાં આજે વહેલી સવારે એક સિંહણે માસૂમ બાળક પર હુમલો કરી તેને ફાડી ખાધું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ અને ભયનો માહોલ ફેલાયો હતો. વનવિભાગની ટીમ તાત્કાલિક હિંસક બનેલી આ સિંહણને પાંજરે પૂરવા અથવા બેભાન કરવા માટે કામે લાગી હતી.

કેવી રીતે બની ઘટના?

સિંહણનું લોકેશન મળતા જ વેટરનરી ડોક્ટર અને વનવિભાગની ટીમ ત્યાં પહોંચી હતી. ડોક્ટરે સિંહણને બેભાન કરવા માટે જ્યારે ટ્રેન્ક્યુલાઈઝર ગનમાંથી ઈન્જેક્શન છોડ્યું, ત્યારે અકસ્માતે તે સિંહણને વાગવાને બદલે ત્યાં હાજર વનવિભાગના ટ્રેકરને વાગી ગયું હતું. આ દવાની અસર એટલી તીવ્ર હતી કે ટ્રેકર ગણતરીની મિનિટોમાં જ ત્યાં બેભાન થઈ ઢળી પડ્યો હતો.

તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

પોતાનો જ સાથી કર્મચારી બેભાન થતા વનવિભાગની ટીમમાં દોડધામ મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત ટ્રેકરને તાત્કાલિક સારવાર માટે વિસાવદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. હાલ તેની હાલત કેવી છે તે અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો: શ્યામલ વિસ્તારના શિલ્પ સિદ્ધિ ફ્લેટના બેઝમેન્ટમાં ભીષણ આગ, અનેક વાહનો બળીને ખાખ



  • Follow us on: