વિસનગર તાલુકાના તરભ વાળીનાથધામ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવ નિર્મિત શ્રી વાળીનાથ ગુરુકુળનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે વાળીનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી જનસુખાકારીની મંગલકામના કરી હતી. વાળીનાથધામના મહંત પ.પૂ. જયરામગિરિ બાપુની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રીએ શિક્ષણ અને ધર્મના સંગમને વિકસિત ભારતની પાયાની જરૂરિયાત ગણાવ્યો હતો.

મુખ્યમંત્રીએ સાધુ-સંતો અને ભાવિકોને સંબોધતા જણાવ્યું હતું કે, વાળીનાથધામ રબારી સમાજની ભક્તિ, શક્તિ અને ઉન્નતિનું પ્રતીક છે. પૂજ્ય બળદેવગિરિ બાપુના આશીર્વાદ અને પૂજ્ય જયરામગિરિ બાપુના પુરુષાર્થથી નિર્મિત આ ગુરુકુળ શિક્ષણ ક્ષેત્રે નવા આયામો સર કરશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકાસ પણ, વિરાસત પણ'ના મંત્રને સાકાર કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 900 વર્ષ જૂની વિરાસત પર નૂતન શિવાલયની પ્રાણપ્રતિષ્ઠા બાદ હવે શૈક્ષણિક પ્રકલ્પનું લોકાર્પણ સમાજ સુધારણાની દિશામાં મોટું પગલું છે. મંદિરો હંમેશા જ્ઞાનના કેન્દ્રો રહ્યા છે અને વાળીનાથધામે આ પરંપરાને શિક્ષણ ક્ષેત્રે આગળ ધપાવી છે.

વાળીનાથધામના શિક્ષણ ક્ષેત્રે યોગદાનની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે, ધોરણ 5થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પુસ્તકોનું વિતરણ અને ગાંધીનગરમાં કન્યા કેળવણી જેવા કાર્યો વંદનીય છે. વાળીનાથ ગુરુકુળમાં હાલ 200 જેટલા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની નિઃશુલ્ક તૈયારી કરી રહ્યા છે, જે વિકસિત ભારત માટે સક્ષમ પેઢીના નિર્માણમાં મહત્વનું યોગદાન આપશે. મુખ્યમંત્રીએ યુવાનોને મોબાઇલની સ્ક્રીનથી દૂર રહી મેદાનોમાં શારીરિક રમતો રમવા તથા વ્યસનમુક્તિના અભિયાનમાં જોડાવા હાકલ કરી હતી. આ પ્રસંગે ઊર્જામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સોલાર અને ઇલેક્ટ્રિકલ કામગીરી માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. વિસનગરની આ પવિત્ર ધરા આગામી સમયમાં પ્રવાસન અને ધાર્મિક શ્રાદ્ધાના કેન્દ્ર તરીકે વિકસશે. સમારોહ દરમિયાન મુખ્યમંત્રી અને મહંતશ્રીના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો