વિસનગર શહેરમાં કાંસા ચોકડી પાસે કાંસા તરફ્થી આવી રહેલા દૂધના ટેન્કરના ચાલકે પૂરઝડપે અને ગફ્લતભરી રીતે વાહન હંકારી આગળ જઈ રહેલા ઈ-સ્કૂટરને પાછળથી ટક્કર મારતાં સ્કૂટરચાલક સહિત પાછળ બેઠેલા આધેડ ટેન્કર નીચે આવી ગયા હતા. ગંભીર ઈજાઓના કારણે બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજતાં અરેરાટી ફેલાઈ હતી. બનાવ અંગે વિસનગર શહેર પોલીસે સ્થળ પર પહોંચી બંને મૃતકોની લાશનું ઈન્ક્વેસ્ટ ભરી પોસ્ટમોર્ટમ માટે વિસનગર સરકારી દવાખાને મોકલી આપી હતી. તેમજ ધવલકુમાર અશોકભાઈ ત્રિવેદીની ફરિયાદના આધારે ટેન્કરચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિસનગરના કાંસા એન.એ. વિસ્તારમાં રહેતા અશોકભાઈ નટવરલાલ ત્રિવેદી (ઉં.વ. 68) ઈ-સ્કૂટર લઈને તેમના મિત્ર નવીનભાઈ પ્રહલાદભાઈ વ્યાસ (ઉં.વ. 62)ને પાછળ બેસાડી કર્મકાંડના કામે પૂજાપાઠનો સામાન લઈને નીકળ્યા હતા. દરમિયાન તેઓ કાંસા ચોકડી પાસેથી વળાંકમાં આગળ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલા દૂધના ટેન્કરના ચાલકે પૂરઝડપે અને ગફ્લતભરી રીતે ટેન્કર હંકારી ઈ-સ્કૂટરને ટક્કર મારી હતી. ટક્કરથી બંને ઈ-સ્કૂટર સાથે ટેન્કરના નીચે આવી જતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. બનાવ અંગે વિસનગર શહેર પોલીસે ધવલકુમાર અશોકભાઈ ત્રિવેદીની ફરિયાદના આધારે ટેન્કરચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વિસનગર શહેરમાં કાંસા ચોકડીથી પાલડી ત્રણ રસ્તા તેમજ મહેસાણા ચોકડીથી બંસલ મોલ રોડ પર જીયુડીસી સહિતના વિસ્તારોમાં રોડનું કામ ચાલી રહ્યું છે. ઉબડખાબડ રસ્તા, ડાયવર્ઝન અને દિવસભર ચાલતા રોડકામના કારણે ધૂળની ડમરીઓ ઊડતી હોવાની ફરિયાદો છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડવા ઉપરાંત અકસ્માતનો ભય પણ રહે છે.

ધૂળની ડમરીઓથી શ્વાસની બીમારીના દર્દીઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. જેથી રોડનું કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી લોકોની માંગ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો