વિસનગર તાલુકાના બાસણા ગામે ગઢા રોડ પર આવેલા ખેતરમાંથી અજાણ્યા શખ્સો ચંદનનાં 14 વૃક્ષો કાપીને ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. વર્ષ 2011થી ઉછેરવામાં આવેલા 360 વૃક્ષોમાંથી વધુ વિકસિત થયેલાં 14 વૃક્ષોની ચોરી થઈ હતી. સરકારી પરિપત્ર મુજબ આ વૃક્ષોની કિંમત રૂ. 7 લાખ થાય છે. આ અંગે જમીન માલિકની ફરિયાદના આધારે વિસનગર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૂળ બાસણા ગામના વતની અને હાલ ગાંધીનગરના કુડાસણમાં રહેતા તથા ખેડા જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અશોકકુમાર ભગવાનભાઈ ચૌધરીની બાસણાથી ગઢા રોડ પર સર્વે નંબર 349/1માં આશરે બે વીઘા વડીલોપાર્જિત જમીન આવેલી છે. તેમણે વર્ષ 2011માં આ જમીનમાં ચંદનનાં 600 રોપાનું વાવેતર કર્યું હતું, જેમાંથી 360 રોપા ઉછરીને વૃક્ષ બન્યાં હતાં. ગત 7 નવેમ્બરે દિવાળી વેકેશનમાં વતન આવેલા અશોકકુમાર 13 નવેમ્બરની સવારે ખેતરે પહોંચ્યા ત્યારે ચંદનનાં 14 વૃક્ષો કપાયેલાં જોવા મળ્યાં હતાં. ચોરીની જાણ થતાં અશોકકુમારે ખેતરની દેખરેખ રાખતા ભાગિયા ઠાકોર ધીરુને ફોન કરી પૂછપરછ કરી હતી. ધીરુએ જણાવ્યું હતું કે, 12 નવેમ્બરે સવારે 9થી 10 વાગ્યાની આસપાસ તેઓ ખેતરમાં પાણી વાળવા ગયા હતા ત્યારે કૂંડી પાસે ચંદનનાં વૃક્ષો ઊભાં હતાં. પાણી વાળીને ઘરે પરત આવ્યા બાદ વૃક્ષો કોણ કાપી ગયું તે અંગે તેમને કોઈ જાણ નહોતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો