વિસનગરમાં દિવાળીના દિવસે નગરપાલિકાના ફાયર બ્રિગેડને આગના છ કોલ મળ્યા હતા. ફાયર ઓફ્સિર જયેશ પટેલ સહિતની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી. વસુંધરા સોસાયટીના કોમન પ્લોટ, એમ.એન. કોલેજના મેદાનમાં સૂકા ઘાસ, કચરાના સ્ટેન્ડ તેમજ કડા દરવાજા વિસ્તારમાં રબારી કાનજીભાઈના મકાનમાં સૂકા પૂળામાં આગ લાગી હતી. આ ઉપરાંત મહેસાણા ચોકડી નજીક કેવસ કોમ્પ્લેક્સ પાછળની ઝાડી અને સિપોર ગામે નોવેલ્ટીની દુકાનમાં પણ આગના બનાવો બન્યા હતા. દિવાળીના પડતર દિવસોમાં પણ આગના બનાવો નોંધાયા હતા. કલ્યાણ બંગ્લોઝ પાછળના મેદાન, મોટી વ્હોરવાડના મકાન, દરબાર રોડ પર જૂના પોલીસ સ્ટેશનમાં વાહનોના ભંગાર અને દેણપ ચોકડી પાસે હીરો શો-રૂમ પાછળના ભંગારના વાડામાં આગ લાગી હતી. આ ઉપરાંત વડનગરના કચરા સ્ટેન્ડ અને ઉબખલ જીઆઈડીસીની જે.બી. પ્રોડક્ટ્સ અગરબત્તી બનાવતી કંપનીમાંપણ આગનો બનાવ બન્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે તમામ સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. દરમિયાન વિસનગર પાલડી ચોકડી નજીક કેનાલમાંથી મૃતદેહનું રેસ્ક્યૂ પણ કરવામાં આવ્યું હતું. દિવાળીના દિવસોમાં ફ્ટાકડાના કારણે આગના બનાવો બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો