ઉચ્છલના ચચરબુંદા ગામની સીમમાં દૂધના ટેન્કરે મોટરસાઇકલને અડફેટે લેતા મોટરસાઇકલ ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવાનને ગંભીર ઇજા થઇ હતી.
મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લાના શિરપુર તાલુકાના વાઠોડેના રહીશ આકાશ પ્રકાશ કોળી (ઉં.વ.28)ની પત્નીની પ્રસૂતિ સુરત ખાતે થઈ હતી. જેને મળવા માટે પોતાના મિત્ર રૂષિકેશ કવિનાથ જાદવ (ઉં.વ.27) સાથે મોટરસાઇકલ (નં. એમએચ.18.એએચ.8768) લઇને તા.16 રોજ ગયા હતા, ત્યાંથી પરત ફરતી વખતે તા. 17ના રોજ મોડીસાંજે સુરત-ધુલીયા નેશનલ હાઇવે નં.53 ઉપર સોનગઢથી નવાપુર જતા રોડ ઉપર ઉચ્છલના ચચરબુંદા ગામની સીમમાં ટાટા કંપનીના દૂધના ટેન્કર (નં. જીજે.18.બીએક્સ.6768)એ મોટરસાઇકલને અડફેટે લેતા થયેલા ગોઝારા અકસ્માતમાં મોટરસાઇકલ ચાલક રૂષિકેશ ઉપરથી ટેન્કર ફરી વળીને તેને ઘસડી જતા ગંભીર ઇજાના લીધે રૂષિકેશ જાદવ (રહે. વાઠોડે)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે આકાશ કોળીને ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ટેન્કરચાલક સામે ઉચ્છલ પોલીસ મથકે સાગર પ્રકાશ કોળીએ ફરિયાદ કરતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.










