વ્યારા : તાપી જિલ્લાના ડોલવણ અને વ્યારા તાલુકાના કેટલાંક ગામોમાંથી પસાર થતી ઉકાઇ ડાબા કાંઠા નહેરમાં જો હાલમાં પાણી સપ્લાય કરવામાં આવે તો ખેડૂતોને ડાંગરનું ધરૂં ઉગાડવામાં પિયતની સુવિધા મળી રહે તો મોટી રાહત રહેશેની આશા વ્યક્ત કરી રહ્યા છે.
તાપી જિલ્લામાં ડોલવણ અને વ્યારા તાલુકામાંથી પસાર થતી ઉકાઇ ડાબા કાંઠા નહેર ખેડુતો માટે જીવાદોરી સમાન છે. વ્યારા તાલકાના સાંકરી, મેઘપુર, બાલપુર, ખુટાડીયા, આંબીયા અને ડોલવણ તાલુકાના ઉંમરવાવનજીક, ગડત, ભોજપુરનજીક સહિતના અનેક ગામોમાંથી પસાર થતી ઉકાઇ ડાબા કાંઠા નહેરમાં પાણી નહીં છોડાતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. ચાલુવર્ષે ચોમાસું મોડું હોવાથી ખેડુતો ધરૂં નાંખવા તેમજ અન્ય વાવેતર માટે વરસાદની રાહ જોતા રહ્યા છે. જો નહેરમાં પાણી છોડવામાં આવે તો ડાંગર રોપણી માટે ધરૂંવાડીયું તૈયાર કરી શકાય અને ચોમાસું શરૂ થતા જ રોપણીકાર્યનો પ્રારંભ થઇ શકે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. કાળઝાળ ઉનાળાને લઇને બોર, કુવામાં પણ પાણીના સ્તર ઉંડા ઉતરી ગયા હોવાથી ખેડૂતો માટે સિંચાઇનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે, ત્યારે ઉકાઇ ડાબા કાંઠા નહેરમાં પાણી પુરવઠો સપ્લાય થાય તો ગ્રામ્ય વિસ્તારોને પિયતનું પાણી મળવા સાથે ઢોર-ઢાંખર તેમજ વપરાશ માટે પણ પાણી મળી રહેવાની શકયતા છે. ત્યારે પાણીની જરૂરિયાતને ધ્યાનમાં લઇ ખેડૂતોના હિતમાં નહેરમાં પાણી છોડવા મુદ્દે જવાબદારો વિચારણા કરે તે જરૂરી છે.










