કુકરમુંડા ગ્રામપંચાયતની જગ્યામાં છેલ્લા 50 વર્ષથી દુકાનો ચલાવી પરિવારનું ભરણપોષણ કરી જીવનનિર્વાહ ચલાવતા નાના વેપારીઓને દુકાનો ખાલી કરાવવા મુદ્દે નોટિસ આપવામાં આવી છે, જે મુદ્દે ન્યાયસંગત તથા સમાન ધોરણે કાર્યવાહી કરવાની માંગણી સાથે આજરોજ મામલતદારને દુકાનદારોએ આવેદનપત્ર આપ્યું હતું. આવેદનમાં વેપારીઓએ જણાવ્યું છે,
આ દુકાનો કોઇ તાજેતરમાં ઉભી કરવામાં આવેલી વ્યવસ્થા નથી, પરંતુ વર્ષોથી અસ્તિત્વમાં છે અને અનેક પરિવારોનો રોજગાર દુકાનો ઉપર નિર્ભર છે. દુકાનો ખાલી કરાવવામાં આવે તો માત્ર દુકાનનું સ્થળ ગુમાવવાનું નથી પરંતુ નાના વેપારીઓ તથા તેમના પરિવારોની રોજગાર અને જીવનનિર્વાહનું સાધન ગુમાવવાની સ્થિતિ ઉભી થશે. કુકરમુંડામાં દુકાનો, દબાણ દુર કરવા જે અવારનવાર રજૂઆત થાય છે તે રજુઆત કરનાર મુળ મહારાષ્ટ્ર રાજયના રહીશ છે, જેઓની રજૂઆતના આધારે જો નોટિસ આપવામાં આવી હોય તો પ્રથમ બંને પક્ષની હક્કીતો, સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ અને તમામ સબંધિત દસ્તાવેજોની નિષ્પક્ષ તપાસની વેપારીઓ માંગણી કરી રહ્યા છે. દબાણ અંગે રજુઆત કરનાર વ્યકિતના કબ્જા-દબાણની પણ પુરતી તપાસ કરવાની માંગણી કરી છે, એકપક્ષીય કાર્યવાહી ન થાય તે જરૂરી છે. જો કાર્યવાહી કરવી હોય તો સરકારી-ગ્રામપંચાયતની તમામ જમીન ઉપર થયેલા અનધિકૃત દબાણ સામે કાર્યવાહી કરવામાં આવે માત્ર નાના વેપારીઓ પુરતી મર્યાદિત કાર્યવાહી ન કરવા સહિતની વિવિધ રજૂઆત કરી હતી.
