કુકરમુંડાના તુલસામાં પ્રાથમિક શાળા નજીક જ રસ્તા ઉપરનું ગરનાળું અત્યંત બિસ્માર બન્યું છે. ઠામોઠામ ખાડાઓ પડતા જેના ઉપરથી પગપાળા પસાર થવું પણ જોખમી બન્યું હોય, બાળકોના માથે અકસ્માતનું જોખમ તોળાતું રહે છે. ચોમાસામાં સ્થિતિ અત્યંત બદ્તર બનતી હોય જે બિસમાર ગરનાળાની મરામત ન થાય તો માસૂમ બાળકો સહિત રહીશોની હાલાકીમાં વધારો થશે.
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના તુલસા ગામમાં બિસ્માર ગરનાળાએ સુરક્ષિત અવરજવરમાં અવરોધ ઊભા કર્યા છે. જર્જરિત બનેલ ગરનાળાનો રસ્તો કોઇ નિર્દોષનો જીવ લે કે ગંભીર ઇજા પહોંચાડે તે પહેલા જેની મરામત થાય તેવી માંગ ઉઠી છે. કોતરના ગરનાળા ઉપર ઠેર-ઠેર મોટા ખાડાઓ પડયા છે. પગપાળા શાળાએ જતા માસૂમો જો સતર્કતા ન દાખવે તો સીધા જ ખાડામાં ઉતરી જાય અને ગંભીર ઇજાનો ભોગ બને તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. જો ગરનાળાની મરામત કરવામાં બેદરકારી દાખવવામાં આવશે તો ચોમાસામાં ગરનાળા ઉપરથી પાણી ફરી વળે તો ખાડાઓની ખબર ન પડતા જીવલેણ ઘટના બનવાની શક્યતા રહેલી છે.










