વ્યારા : નિઝર બસસ્ટેશન ઉપર વિદ્યાર્થીઓને એસ.ટી.પાસ કઢાવવા જાય છે. પરંતુ અહીં બીએસએનએલની ઇન્ટરનેટ માટેની બ્રોડબ્રેન્ડ સેવા અત્યંત મંદગતિએ ચાલતા દિવસમાં માત્ર પાંચથી છ જ પાસ ઇસ્યુ થતા હોય દરરોજ લાંબી-લાંબી કતારોમાં ઊભા રહેતા વિદ્યાર્થીઓ આખરે સાંજે વિલા મોંએ પરત ફરવું પડે છે જેથી વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર માઠી અસર ન થાય તે માટે પાસ સુવિધા માટે યોગ્ય વ્યવસ્થા કરવા વિદ્યાર્થીઓના વાલીઓએ માંગ કરી છે.


નિઝર તાલુકામાં પ્રથમ સત્ર શરૂ થતા વિદ્યાર્થીઓ શાળા-કોલેજ, આઇટીઆઇ.ના અભ્યાસ માટે ગ્રામ્ય વિસ્તારોથી આવતા થયા છે, અવરજવર માટે વિદ્યાર્થીઓને એસ.ટી.પાસ સુવિધા પુરી પાડવામાં આવે છે, જેથી રાહતદરે જેઓ પોતાના ઘરેથી શાળા-કોલેજ સુધી એસ.ટી.મુસાફરીના માધ્યમથી પહોંચી શકે, દરરોજ મોંઘા ભાડા ખર્ચીને અભ્યાસ અર્થે આવવું ગરીબ વિદ્યાર્થીઓને પરવડે તેમ નથી.નવુ સત્ર શરૂ થયું ત્યારથી વિદ્યાર્થીઓ બસપાસ મેળવવા બસ સ્ટેશન ખાતે લાંબી કતારોમાં ઉભા રહે છે, પાસ ઇસ્યુ કરતા કેબિન પાસે દરરોજ પાસ મેળવવા પહોંચે છે, પરંતુ પાસ મળતા નથી. દરરોજ ગામડાંઓમાંથી મોઘું ભાડું ખર્ચીને આવવાથી ગરીબ માતા-પિતાઓ ઉપર આર્થિક ભારણ પડી રહ્યું છે, બસ સ્ટેશન ખાતે પાસ હોલ્ડરને પુછપરછ કરતા જણાવ્યું હતું કે ભારત સંચાર નિગમ લિમટેડનું બ્રોડ બેન્ડ સમય અનુસાર કામ કરતું નથી, આખા દિવસમાં પાંચથી છ જ બસ પાસ ઇસ્યુ થાય છે તેથી બાળકોને એકસાથે બસ પાસ મળી શકતા નથી, જેથી બાળકો અટવાતા રહ્યા છે. જો બીએસએનએલની રેન્જ નિયમિત અને ઝડપી બને તો વિદ્યાર્થીઓને નિયમિત પાસ મળી શકશે. નિઝરના એક અગ્રણીએ જણાવ્યું હતું કે, ભારત સરકારની આ સંચાર સેવા ઉત્તમ માનવામાં આવે છે તો આ ખરા સમયે જ બ્રોન્ડબ્રેન્ડ સેવા અનિયમિત થઇ જાય છે જે સમજાતું નથી. ગત્વર્ષે પણ આ સમયે જ ગોકુળ ગાયની ગતિએ આ સેવા ચાલુ હતી અને વિદ્યાર્થીઓ અટવાયા હતા. ચાલુવર્ષે ફરીથી ધાંધિયા શરૂ થતા પાસ તાકીદે ન મળતા દરરોજ બાળકોને ભાડાના નાણાં આપવાની નોબત આવતા ગરીબ માતા-પિતા અર્થિક સંકટમાં મુકાઇ છે, ત્યારે તંત્ર તાકીદે વિદ્યાર્થીઓને પાસ ઇસ્યુ થાય તેવી વ્યવસ્થા કરે તે જરૂરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: