કુકરમુંડા તાલુકામાં તાપી નદીમાંથી રેતીખનન સ્થળે મજૂરો જાનના જોખમે કામ કરી રહ્યા છે, તેમનું કોઈ બેલી નથી. ગતરોજ લીઝના સ્થળે એક યુવાનનું તાપી નદીમાં ડુબી જવાથી મોત થયું હતું.
અહીં રેતીના વેપલા સાથે સંકળાયેલા પરપ્રાંતિયો સ્થાનિકોને મજૂરીકામ આપે છે. પરંતુ જેઓની કોઇ સુરક્ષા હોતી નથી. જુન માસના પ્રથમ વરસાદ સુધી રાત-દિવસ રેતીખનન કરી કરોડો ટન રેતી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ રાજયના જુદાજુદા વિસ્તારોમાં સપ્લાય થાય છે. ગુજરાત સરકારને રોયલ્ટીના નામે વર્ષેદહાડે લાખો રૂપિયાનો ચુનો લગાડવામાં આવતો હોવા છતાં ભૂસ્તર વિભાગ નિષ્ક્રીય છે. તાજેતરમાં કુકરમુંડા ગામની સીમમાં વહેતી તાપી નદી ઉપર આવેલ વાલેરી માતાના મંદિરની પાસે લીઝના સ્થળે કામ કરતા ડોડવા ગામના નવયુવાન યોગેશભાઇ યશવંતભાઇ પાડવી (ઉં.વ.30) રેતી કાઢવાના પીપડાથી બનાવેલા માંચડા સાથે લોખંડનો પાઇપ બાંધતી વખતે નદીમાં પડી જતા ડુબી જવાથી મોતને ભેટયો હતો. કોઇપણ સુરક્ષા વિના તે કામદો હતો. આ ઉપરાંત બેફામ દોડતો રેતીના વાહનોથી ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેમાં અનેક ઇજાગ્રસ્ત થયાના બનાવો પણ બન્યા છે. પરંતુ આવી ઘટનાને દફનાવી દેવા સિવાય કોઇ નક્કર કામગીરી થતી નથી. રેતીના વાહનોથી ઉડતી ધુળની ડમરીઓ ખેતપાકોને નુકસાન કરતી હોવાની અનેક ફરિયાદો ઉઠતી રહી છે. તંત્ર હવે તો નક્કર પગલા ભરે તે જરૂરી છે.










