તાપી જિલ્લામાં શુક્ર અને શનિવારમાં ધોધમાર વરસેલા મેઘરાજાએ રવિવારના રોજ વિરામ લેતા વાતાવરણ ખુલ્લું થતા લોકોએ રાહત અનુભવી હતી. ડોલવણ અને ઉચ્છલ તાલુકા સિવાય અન્ય તાલુકાઓમાં વરસાદી ઝાપટાં રહ્યા હતા.

વીતેલા 24 કલાકમાં વ્યારા અને સોનગઢ તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લામાં બે દિવસ સુધી મુશળધાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું હતું. વહીવટી તંત્રની ઘરમાં જ રહી સુરક્ષિત રહેવાની અપીલના પગલે વરસાદી માહોલમાં જાણે કે જનજીવન પણ ઠપ થયું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. બે દિવસ સુધી ધોધમાર વરસેલા મેઘાનું જોર રવિવારે ઓછું થયું હતું. જો કે કેટલાક વિસ્તારોમાં હળવા-ભારે વરસાદી ઝાપટાં થતા રહ્યા છે. તાપી જિલ્લા ફ્લડ કંટ્રોલ પાસેથી મળતી વિગત મુજબ રવિવાર સાંજે 4 કલાકે પૂર્ણ થતા 24 કલાક દરમિયાન સોનગઢમાં 1.4 ઇંચ, વ્યારામાં 1 ઇંચ જ્યારે અન્ય તાલુકાઓ વાલોડ, ઉકાઇ, નિઝર, કુકરમુંડામાં છૂટાછવાયાં વરસાદી ઝાંપટા રહ્યા હતા, ડોલવણ અને ઉચ્છલ તાલુકામાં મેઘરાજાએ પોરો ખાધો હતો. બે દિવસ સુધી ધોધમાર વરસાદના લીધે નદી, કોતરો, તળાવો, ચેકડેમોમાં વરસાદી પાણીની સારી એવી આવક થતા ખેડૂતોએ રાહત અનુભવી છે. રવિવારના રોજ છૂટાછવાયા વરસાદી ઝાપટાં સાથે વાતાવરણ ખુલ્લું થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.