વ્યારા : તાપી જિલ્લા સેવા સદન નજીક ગત્ 2 ઓકટોબરથી સુગરના બાકી નાણાં મેળવવા માટે ધરણાં કરી રહેલા ખેડૂતોની આખરે સફળતા મળી છે, સરકારે નાણાં ચુકવવાનો નિર્ણય લેતા ખુશી છવાઇ છે, પ્રવકૃતા મંત્રી જીતુભાઇ વાઘાણીએ રાજય સરકાર દ્વારા લેવાયેલા મહત્વપુર્ણ નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું છે કે શ્રી ઉકાઇ પ્રદેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ (વ્યારા સુગર) ના ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રાજય સરકારે લોકહિતકારી કદમ ઉઠાવ્યું છે. વ્યારા ખાતે ધરણાં કરી રહેલા ખેડુતોની મુલાકાત લઇ તેમને પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, વ્યારા સુગર દ્ધારા શેરડીના નાણાં સમયસર ચૂકવી ન શકાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. ખેડૂતોના આ પ્રશ્નની ગંભીરતા સમજીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીના માર્ગદર્શનમાં સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતોની વ્હારે આવવાનો નિર્ણય કર્યો છે, જેથી દિવાળી જેવા પવિત્ર તહેવાર પર કોઇપણ ખેડૂત પરિવાર ચિંતામાં ન રહે. રાજય સરકારે ખેડૂતો માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવીને આશરે 850 થી વધુ ખેડૂતોને રૂપિયા 7.14 કરોડ જેટલી માતબર રકમ શેરડીના બાકી નાણાં પેટે સીધી ચૂકવી દેવાનો નિર્ણય કર્યો છે. આ નાણા દિવાળી પૂર્વે જ સીધા ખેડૂતોના બેંકખાતામાં ચૂકવી દેવામાં આવશે. આદિવાસી વિસ્તારના ખેડૂતોના આ પ્રશ્નના નિરાકરણ માટે મંત્રી નરેશભાઇ પટેલ, રાજયમંત્રી જયરામભાઇ ગામીત, પૂર્વ મંત્રી ગણપતભાઇ વસાવા સહિતના આદિવાસી નેતાઓના વિશેષ પ્રયત્નોને સફળતા મળી છે. પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજય સરકારનો મુખ્ય ધ્યેય હંમેશા ખેડૂત સશકિતકરણ અને ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવવાનું રહ્યું છે. શેરડીના બાકી નાણાં સમયસર મળી જવાથી ખેડૂત મિત્રો પોતાના પરિવાર સાથે ઉત્સાહ અને આનંદથી દિવાળીની ઉજવણી કરી શકસે. ગુજરાત સરકાર હંમેશા અન્નદાતા ખેડૂતોની પડખે મક્કમતાથી ઊભી છે અને ખેડૂતોના પરિશ્રમનું યોગ્ય મૂલ્ય ચુકવવા માટે પૂર્ણપણે કટિબધ્ધ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો