ડોલવણ તાલુકામાં બે દિવસ સુધી થયેલા ધોધમાર વરસાદ વચ્ચે વાંકલાના બ્રિજની સાઇડોનું ધોવાણ થતા સલામતીના ભાગરૂપે ભારે વાહનો માટે વાહનવ્યવહાર બંધ કરી રોડ ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. રસ્તાની મરામત થયા બાદ જ લોકોને રાહત મળશે.
ડોલવણ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં.56 ઉપર વાંકલા ગામમાં ભારે વરસાદના લીધે બ્રિજની બાજુમાં બનાવેલ ઇંટ અને પથ્થરની દિવાલનું ધોવાણ થતા જેને લઇને જોખમના મંડાણ થયા છે. જો બ્રિજ ઉપરથી વાહનવ્યવહાર ચાલુ રહે તો કોઇ દુર્ઘટના કે અનિચ્છનીય બનાવ બનવાની શકયતાને ધ્યાનમાં લઇને વહીવટી તંત્ર દ્ધારા રોડ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરાવી રોડ ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. વ્યારાથી નવસારી જિલ્લાના ઉનાઇ, ભિનાર તરફ જતા ભારે વાહનો માટે વ્યારાથી બેડચીત ત્રણ રસ્તા, બુહારી, કરચેલીયા, વલવાડા, હળદવા, અનાવલથી ભિનાર તરફ જયારે નવસારી તરફથી વ્યારા તરફ આવતા વાહનો માટે ભિનારથી અનાવલ થઇ બાજીપુરા થઇ વ્યારા તરફ કે ભિનારથી કરચેલીયા, મહુવા થઇ બારડોલી તરફ જતા રસ્તાનો વૈકલ્પિક માર્ગ ઉપયોગ કરવાનું જણાવવામાં આવ્યું છે.
