જિલ્લા સેવા સદન સામે આજરોજથી વ્યારા સુગર ફેક્ટરીમાં 2025-26 માં શેરડીનો પુરવઠો આપનાર ખેડુત સભાસદોએ બાકી નાણાં મુદ્દે ધરણાં પ્રદર્શનનો પ્રારંભ કર્યો છે, ખેડૂતોએ નાણાં વ્યાજ સાથે ચુકવવાની ઉગ્ર માંગણી કરી છે.
વ્યારાની શ્રી ઉકાઇ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.(વ્યારા સુગર) દ્વારા શેરડી પુરવઠો આપનાર ખેડૂતોએ બાકી નીકળતા નાણાં તાકીદે ચુકવવા માટે ગત્ દિવસોમાં જિલ્લાકક્ષાએ આવેદનપત્ર આપ્યું હતું. ભારત સરકાર દ્ધારા 2025-26 ની સિઝન માટે શેરડીનો વાજબી અને લાભદાયી ભાવ (એફઆરપી) રૂ.355 પ્રતિ કિવન્ટલ નક્કી કરવામાં આવ્યો છે, જે 10.25 ટકા રિકવરીના ધોરણે રૂ.3550 પ્રતિ ટન થાય છે. આ ઉપરાંત 10.25 ટકાથી વધુ દર 0.1 ટકા રિકવરી માટે રૂ.3.46 પ્રતિ કિવન્ટલ પ્રીમિયમ ચુકવવાનું નિયમાનુસાર જોગવાઇ છે. વ્યારા સુગર ફેકટરીએ સિઝન દરમિયાન વ્યારા તાલુકાના તેમજ આજુબાજુના વિસ્તારના હજારો ખેડૂતો પાસેથી શેરડીની ખરીદી કરી છે, પરંતુ સિઝન પુર્ણ થયા બાદ છ માસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ખેડૂતોને આજેપણ બાકી ચૂકવણી કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતોને ખેતી, ઘરખર્ચ અને દૈનિક જરૂરિયાતો પૂરી કરવામાં ગંભીર આર્થિક મુશ્કેલી સર્જાઇ હોવાથી ખેડૂતોના બાકી નીકળતા નાણાં વ્યાજ સાથે ચુકવવાની માંગણી કરી હતી. પરંતુ જે રજૂઆત બાદ પણ કોઇ નિર્ણય ન આવતા આજરોજથી ખેડૂતોએ તાપી જિલ્લા સેવા સદન ગેટ નજીક એકત્રિત થઇ શાંતિપુર્ણ રીતે ધરણાં શરૂ કર્યા હતા. બાકી નાણાં ન ચુકવાઇ તો આંદોલન આગળ વધતું રહેશેની ચીમકી ઉચ્ચારી છે, ખેડૂતોના મહેનતની કમાણી વ્યાજ સાથે ચુકવવાની પ્રબળ માંગ કરવામાં આવી રહી છે.
