તાપી જિલ્લામાં શુક્રવારે સવારથી જ મેઘરાજાની જોરદાર બેટિંગ શરૂ થઇ હતી. જિલ્લામાં સાંજે ચાર વાગ્યા સુધીના 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ડોલવણ તાલુકામાં 16 ઈંચ, જ્યારે અન્ય તાલુકાઓમાં 4 થી 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં 138 રસ્તા અવરજવર માટે સદંતર બંધ થવા સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘરોમાં ઘૂસી જવાના બનાવો નોંધાયા હતા.
તાપી જિલ્લામાં શુક્રવારે સાંજના 4 કલાકે પૂર્ણ થતા 24 કલાકમાં ડોલવણ તાલુકામાં 7.8 ઈંચ, વ્યારામાં 5.8 ઈંચ, વાલોડમાં 5.8 ઈંચ, સોનગઢમાં 5, નિઝરમાં 5, ઉકાઇમાં 4.8 ઈંચ, કુકરમુંડામાં 3.6 અને ઉચ્છલમાં 3.4 ઈંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં 31 જુલાઇએ વહેલી સવારથી જ મેઘરાજાની ઇનિંગ શરૂ થઇ ગઈ હતી. વરસાદનું જોર ધીમે-ધીમે વધતાં બપોર સુધીમાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જવા સાથે ઠામો-ઠામ ખેતીવાડીને નુકસાન થયું હતું. ઘરોમાં પાણી ઘૂસી જવાથી પરિવારોની હાલાકી વધી હતી, જોકે તુરંત વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી તેમજ અસરગ્રસ્તોને સ્થાળાંતરિત કરવામાં આવ્યા હતા.
