ઉચ્છલના વિસ્થાપિત ગામ નારણપુરની ગૌચર અને પડતર જગ્યામાં જી.આઇ.ડી.સી.સ્થાપવાના નિર્ણય સામે ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ ભભુકી ઉઠયો છે, ગત્દિવસોમાં સ્થાનિકકક્ષાએ રજૂઆત કર્યા બાદ આજરોજ ગ્રામજનોએ સ્વયંભુ નાની-મોટી દુકાનો, લારી-ગલ્લા સહિતના તમામ કામકાજ બંધ રાખી પ્રોજેકટ સામે વિરોધ નોંધાવી વ્યારામાં રેલી કાઢી તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

ઉચ્છલ તાલુકાના ઉકાઇ વિસ્થાપિત નારણપુરની ગૌચર અને પડતર જગ્યામાં ગુજરાત સરકારના ઠરાવ અનુસાર ઔદ્યોગિક એકમ એવા જીઆઇડીસી સ્થાપવાના નિર્ણયથી નારણપુર ગામના લોકોમાં નારાજગી વ્યાપી છે. આજરોજ વ્યારા ખાતે ઉમટી પડેલા નારણપુરના રહીશો રેલી સ્વરૂપે તાપી જિલ્લા સેવા સદન ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે, પેસા એકટની કેટલીક કલમ મુજબ ગ્રામપંચાયત પાસે ગ્રામસભાની મંજૂરી વિના એકતરફી રીતે કોઇ બહારની કંપની કે જીઆઇડીસી ને જમીન ફાળવી શકાતી નથી, પરંતુ નારણપુર ગામમાં કોઇપણ જાણકારી કે મંજૂરી વિના જ જી.આઇ.ડી.સી.સ્થાપવા માટે એકતરફી મંજૂરી આપી દેવામાં આવી છે. જીઆઇડીસીને મંજુરી મળી છે તેની નજીક જ શાળાઓ આવેલી હોવાથી બાળકોની સુરક્ષા સામે ગંભીર ખતરો ઉભો થવાની ચિંતા રહીશોએ વ્યક્ત કરી છે. બાળકોને ભય, આઘાત અને ચિંતામુક્ત વાતાવરણમાં શિક્ષણ મેળવવાનો કાનૂની અધિકાર છે, શાળાની આટલી નજક જોખમી ઉદ્યોગ શરૂ થવાથી બ્લાસ્ટ, અકસ્માત અને ઝેરી ગેસના લીધે માસુમ બાળકો કાયમી ભયના ઓથાર હેઠળ જીવશે. આ પ્રોજેકેટ ખેતી, પર્યાવરણ, ભૂગર્ભ જળ તથા જનઆરોગ્ય માટે નુકસાન કારક બની શકવાની શક્યતા હોવાથી જેને નારણપુર ગામમાંથી રદ્ કરવાની તીવ્ર માંગણી રહીશોએ વ્યક્ત કરી હતી. જો રજૂઆતને ધ્યાનમાં લેવામાં ન આવે તો લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન કરવા રહીશો મજબુર બનશેની ચીમકી ઉચ્ચારી છે.