વ્યારા : તાપી જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો હતો. આજરોજ દિવસ દરમિયાન છુટા છવાયાં ઝાંપટા થયા હતા, વિતેલા દિવસોમાં પડેલા ભારે વરસાદે કેટલાંક રસ્તાઓનું નખ્ખોદ વાળી નાંખ્યું હોય જેની મરામત માટે તંત્ર કામમાં જોતરાઇ ચુક્યું છે, માર્ગ મકાન વિભાગ(પંચાયત) હસ્તકના કેટલાંક આંતરિક માર્ગો પર કોઝવે તથા સ્લેબ ડ્રેઇન ઉપર પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ થયો હતો, આજરોજ વ્યારા, વાલોડ, સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકામાં વાહનવ્યવહાર પૂર્વવત્ શરૂ થઇ ગયો છે. ડોલવણ તાલુકાનો પંચોલ-પલાસીયા રોડ 2.50 કિ.મી હાલ વાહનવ્યવહાર માટે બંધ છે. સ્થાનિક રહીશો અને મુસાફરોને સલામતીને ધ્યાને લઇ બંધ માર્ગ પરથી પસાર ન થવા તેમજ વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા તંત્રે અપીલ કરી છે. ભારે પવન અને વરસાદના કારણે જિલ્લાના અનેક મુખ્ય તથા ગ્રામીણ માર્ગો પર મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા, જેનાથી વાહનવ્યવહાર ખોરવાયો હતો. માર્ગ અને મકાન વિભાગની ટીમોએ જેસીબી તથા કટર સાથે સ્થળ પર પહોંચી રસ્તા પર પડેલા વૃક્ષો કાપીને દુર કર્યા હતા. અતિભારે વરસાદના કારણે લો-લેવલ કોઝવે તથા નાળાઓ પર પાણી ફરી વળ્યા હતા, સાથે જ ઉપરવાસમાંથી તણાઇ આવેલા કચરાંના ભરાવાને લીધે રસ્તા ઉપર અવરોધ ઉભા થયા હતા. ટીમ દ્ધારા કોઝવે સાફસફાઇ તેમજ અકસ્માત ન સર્જાય તે માટે સાવચેતીના ભાગરૂપે ચેતવણી બોર્ડ અને ટ્રાફિક કોન મુકીને વાહનચાલકોને સચેત કરવામાં આવ્યા હતા. રસ્તાઓની સાફસફાઇ કરી પુનઃ કાર્યરત કરવામાં આવ્યા છે.
