ઉચ્છલ-નિઝર રોડ ઉપર વરસતા વરસાદમાં રસ્તા ઉપર બેસીને વિદ્યાર્થીઓએ સોમવારે એસ.ટી. બસોને રોકી વિરોધ નોંધાવ્યો હતો, જો કે, સ્થળ ઉપર પહોંચેલી પોલીસે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. જે બાદ વિદ્યાર્થીઓએ બસ સેવા નિયમિત અને પૂરતી ફાળવવા અંગે આવેદનપત્ર આપ્યું હતું.

તાપી જિલ્લાના નિઝર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી ઉચ્ચ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે એસ.ટી.બસની અપૂરતી સુવિધા એક ગંભીર સમસ્યા બની ગઇ છે. નિઝર ગામથી બોરદા, દેવલપાડા, ખોડદા થઇને અપડાઉન કરતા વિદ્યાર્થીઓએ બસ સુવિધા પુનઃ શરૂ કરવા અને સમયપત્રકમાં સુધારો કરવા માટે વિભાગીય નિયામક અને એસ.ટી.નિગમના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી અપીલ કરી છે. સ્થાનિક વિદ્યાર્થીઓ અને ગ્રામજનોના જણાવ્યા મુજબ નિઝર, દેવલપાડા અને ખોડદા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને હજારો મુસાફરો દરરોજ મુસાફરી કરતા હોય છે. હાલમાં સવારના સમયે 9:30 વાગ્યે અને સાંજના 5.30 વાગ્યે બસની તાતી જરૂરિયાત રહે છે. જો કે બસો અનિયમિત દોડે છે. અને જેટલી બસ દોડે છે તે સંખ્યા અપુરતી છે. તેથી વિદ્યાર્થીઓને શાળા-કોલેજ પહોંચવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અગાઉ આ રૂટ પર ચાલતી કેટલીક બસો બંધ કરી દેવામાં આવી છે, આ ઉપરાંત મુબારકપુર, બસસ્ટેન્ડ નજીક, વ્યાસ એ.જે.પટેલ આટ્ર્સ અને સાયન્સ કોલેજ, જૂની સાયન્સ સ્કૂલ જેવા મહત્ત્વના સ્થળોએ બસ ઊભી ન રાખવામાં આવતી હોવાથી વિદ્યાર્થીઓ તથા મુસાફરોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. ખાસ કરીને નિઝર, બોરદા અને ખોડદાના ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને સમયસર વાહન ન મળતા તેમનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. સવાર-સાંજ યોગ્ય સમયે બસસેવા મળી રહે તેમજ સ્ટોપેજ મુદ્દે રજૂઆત કરી હતી. જો કે, રજૂઆત પહેલા વિદ્યાર્થીઓએ નિઝર એપીએમસી પાસે ઉચ્છલ-નિઝર રોડ ઉપર બેસી બસો રોકી રસ્તો રોક્યો હતો. અન્ય વાહનો પણ રોકાઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ રજૂઆત સાંભળી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.