કુકરમુંડાના ફુલવાડી ફાટાથી પશ્ચિમના ગામોમાં એસ.ટી.નો પ્રશ્ન સળગતો રહ્યો છે, આજરોજ દેવમોગરા-સોનગઢ એસ.ટી.બસ મુસાફરોથી ખીચોખીચ ભરાઇ જવાથી કે અન્ય કોઇક કારણોસર બસ રાજપુર, બેજ, મૌલીપાડા વિગેરે ગામોમાં ઉભી ન રહેતા પરીક્ષાના સમયે જ વિદ્યાર્થીઓ અટવાયા હતા, એક જ બસ હોય જે પણ ઉભી ન રહેતા વિદ્યાર્થીઓએ ખાનગી વાહનોમાં જવાની નોબત આવી હતી. મળતી વિગત મુજબ કુકરમુંડાના ફુલવાડી ફાટાથી પશ્ચિમના ગામો જેવા કે પરોડ, ઉદામગઢી, ઉમજા, ડાબરીઆંબા, ગંગથા, પીપરીપાડા, ઝીરીબેડા, ઝુમકટી, ઝાપાઆંમલી, ચોખીઆમલી, વડપાડા, અક્કલઉતારા, બોરીકુવા, મોરંબા, તોરંદા, ગોરાપાડા, રાણાઇચી, પાણીબારા, આશાપુર, મેઢપુર, બાલંબા, બેજ, મૌલીપાડા, ચીખલીપાડા, વેસગાંવ, પીરમોદલા, રાજપુર, તુલસા, કોરાલા જેવા વિસ્થાપિત અને રેવન્યુ ગામો આવેલા છે, આ ગામોને જોડતો કુકરમુંડા ફુલવાડી ફાટાથી છેલ્લું ગામ ઇંટવાઇ ગૃપ ગ્રામપંચાયતને જોડતો રસ્તો છે, ત્યારબાદ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની સીમમાં પ્રવેશી શકાય છે. આ છેવાડાના ગામોમાં એસ.ટી.બસનો પ્રશ્ન વર્ષોથી સળગતો રહ્યો છે. શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ધંધાદારીઓ કે નોકરીયાતો કે સામાન્ય નાગરીકો માટે અવરજવર માટે પુરતી બસસેવા મળતી નથી. આ રૂટ ઉપર વર્ષોથી એક જ બસ સાંજના સમયે સોનગઢ-દેવમોગરા દોડે છે, જે બસ સવારે દેવમોગરા-સોનગઢ આવતી હોવાથી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો માટે મહત્વની છે. પરંતુ બસોમાં વધારો થતો ન હોવાથી મુસાફરોનો એક જ બસ ઉપર આધાર રહે છે. હાલમાં શાળાઓમાં ત્રિમાસિક પરીક્ષા ચાલી રહી છે જયારે દેવમોગરા બસ કેટલાંક બસસ્ટેન્ડો ઉપર ઉભી ન રહેતા વિદ્યાર્થીઓ અટવાયા હતા, રાજપુર, બેજ, મૌલીપાડા ગામના વિદ્યાર્થીઓએ બસસેવા ન મળવાથી અટવાતા જેઓ આખરે પરીક્ષાના સમયે પણ શાળાઓમાં પહોંચવા માટે મથામણ કરી ખાનગી વાહનોનો સહારો લીધો હતો. પરીક્ષા સમયે પણ સમયસર બસના ધાંધિયાથી પહોંચી શકાતું ન હોય તો અન્ય દિવસોમાં વિદ્યાર્થીઓની કેવી હાલત થતી હશે જે મુદ્દે વિદ્યાર્થીઓ તથા વાલીઓએ નારાજગી ઠાલવી હતી. પશ્ચિમના ગામોના વિદ્યાર્થીઓ તથા મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં લઇ વધુ બસો દોડાવવા એસ.ટી.નિગમના જવાબદારો પગલાં લે તેવી માંગણી ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો